ખેડા અને આણંદ જિલ્લામાં દિવાળી પર્વની ઉમળકાભેર ઉજવણી : આજે પડતર દિવસ
દુકાનો, કોમ્પ્લેક્સ, શેરી, ફળિયાઓમાં રોશનીનો ઝળહળાટ
શુભમુુહૂર્તમાં વેપારીઓએ ચોપડા સાથે લક્ષ્મીજીનું પૂજન પણ કર્યું ઃ અંતિમ ઘડીની ખરીદી માટે લોકો ઉમટયા ઃ મોડી રાત સુધી ફટાકડાની આતશબાજીથી આકાશ ઝગમગી ઉઠયું
નડિયાદમાં આવેલ ગંજબજાર, સંતરામ રોડ, સ્ટેશન રોડ, ડભાણ ભાગોળ, અમદાવાદી બજાર તથા કોલેજ રોડ વગેરે સ્થળોએ આવેલા વેપારી પેઢીઓ તથા તબીબો દ્ધારા શુભ મુહૂર્તોમાં ચોપડા પૂજન કરાયું હતું. ઘણાં વેપારીઓએ પોતાના ઘરે પણ પૂજનવિધિ કરાવી હતી. વર્ષ દરમિયાન ધંધામાં વધુ પ્રગતિ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. નડિયાદની જેમ ખેડા અને આણંદ જિલ્લા સહિત ચરોતરમાં પણ આજે વેપારી પેઢીઓમાં આતશબાજીની ધૂમ વચ્ચે ચોપડા પૂજન અને મહાલક્ષ્મી માતાનું પૂજન કરાયું હતું. દિવાળીના તહેવારની ઉજવણી અંતર્ગત સાંજે દુકાનો અને કોમ્પલેક્ષો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠયા હતા. શેરી મહોલ્લા અને ફળીયાઓમાં દિવડા ઝગમગતા જોવા મળી રહ્યા છે. ઉપરાંત દિવાળી નિમિત્તે થોડીવાર માટે લોકો પોતાના દુઃખ વિસરી આતશબાજી કરી દિવાળીના પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા. જેમાં નાના બાળકોથી લઈ નવયુવાનો, વડીલો અને વૃદ્ધોએ હર્ષોલ્લાસભેર પર્વની ઉજવણી કરી હતી.
જિલ્લાના વડામથક નડિયાદ સહિત જિલ્લાભરમાં મોડી રાત સુધી દારૂખાનું ફૂટવાના અવાજોથી વાતાવરણ ગૂંજી ઉઠયું હતું. લોકોએ મોડી રાત સુધી ફટાકડા ફોડયા હતા. બોંબ ધડાકા ઉપરાંત રંગબેરંગી હવાઈઓની ધૂમથી આકાશ છવાઈ ગયું હતું. ઠેર-ઠેર લોકો એક-બીજાને દિવાળીની શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. નવા વર્ષના આગલા દિવસો પૈકી દિવાળી પર્વ નિમિત્તે બજારોમાં ભીડથી છલકાતા જોવા મળી રહ્યા છે. બજારોમાં લોકો ઘર સોના-ચાંદી, વપરાશની વસ્તુઓ, કપડા, બૂટ-ચંપલ મીઠાઇ, ફરસાણ, દારૂખાનુ અને મઠીયા પાપડની ખરીદી કરતા જોવા મળ્યા હતા. નડિયાદ જિલ્લાનું વડુમથક હોવાથી આજુબાજુના નાના ગામડાઓના લોકો શહેરના ડુમરાલ બજાર, ડભાણ બજાર, અમદાવાદી બજાર અને સંતરામ વિસ્તારની દુકાનોમાં ખરીદી માટે ઉમટયા હતા.
યાત્રાધામ ડાકોર સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ
ખેડા જિલ્લાના તમામ મંદિરો આજે રોશનીથી ઝળહળી ઉઠયા હતા. જેમાં યાત્રાધામ ડાકોર, નડિયાદ સંતરામ મંદિર, ખેડા અને મરીડા મેલડી માતાજીનું મંદિર, ફાગવેલ ભાથીજી મંદિર અને --દશામાના મંદિર સહિત તમામ નાના-મોટા મંદિરો લાઈટોના ઝગમગાટથી સુશોભિત કરવામાં આવ્યા હતા. જ્યાં બેસતા વર્ષ નિમિત્તે પૂજા- અન્નકૂટ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે વહેલી સવારથી જ વિવિધ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે.
મોડીરાત સુધી લોકોએ ખરીદી કરી
ખેડા જિલ્લામાં નવા વર્ષના બે દિવસ અગાઉ બજારોમાં ભારે ભીડનો ધસારો જોવા મળી રહ્યો છે. ઘરવખરી, કપડા સહિતની દુકાનોમાં પણ ગ્રાહકોએ છેલ્લે સુધી ખરીદી કરી હતી. લારી અને પાથરણાવાળાઓ પાસે પણ લોકોની ભીડ જોવા મળી હતી.