કોણીથી નીચે બંને હાથ ગુમાવનાર સ્નેહા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
કોણીથી નીચે બંને હાથ ગુમાવનાર સ્નેહા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે 1 - image

વડોદરાઃ શહેરની સમરસ હોસ્ટેલમાં રહીને એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહેલી દિવ્યાંગ સ્નેહા રાઠવા પોતાના સહાધ્યાયીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે.નાનપણમાં થયેલા અકસ્માતમાં કોણી નીચેથી બંને હાથ ગુમાવનાર સ્નેહાની અભ્યાસ પ્રત્યેની લગન ખરેખર પ્રભાવિત કરે તેવી છે.

સ્નેહા રાઠવા પોતે હાલોલની વતની છે. સ્નેહાના પિતા પાવાગઢ ખાતે સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમજ માતા ગૃહિણી છે. તેની મોટી બહેન પાટણ ખાતે તબીબીનો અભ્યાસ કરે છે, તો નાની બહેન હાલોલમાં ધો.૭ માં અભ્યાસ કરે છે.

સ્નેહા કહે છે કે, ૨૦૧૨માં એક દિવસ ઘરના ધાબા ઉપર પતંગ પકડવા જતાં મને  વીજ કરંટ લાગ્યો હતો. તાત્કાલિક મારા  માતાપિતા સારવાર માટે પહેલા હાલોલ અને બાદમાં વડોદરા લઈ ગયા હતા.બે મહિનાની સારવાર બાદ વડોદરામાં ડોકટરે મારા બે હાથ કોણી નીચેથી કાપવા પડશે તેવુ કહેતા મારાં માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.એ પછી ઘણા લોકોને ચિંતા થઈ હતી કે, મારી જિંદગી મારા માટે જ બોજારુપ થઈ જશે પણ  થોડો સમય પસાર થતાં મારાં માતાપિતાએ મને જરાય નિરાશ થયા વગર આગળ વધવા સતત પ્રેરણા આપી હતી. મારા પપ્પાએ મને કોણીથી લખવાની પ્રેક્ટિસ કરાવવા માંડી હતી. એમનાવિશ્વાસ, પ્રયત્ન અન પ્રેમના કારણે મને ધીરે ધીરે કોણીથી લખવામાં ફાવટ આવવા માંડી હતી.બીજા ધોરણની પરીક્ષઆ પણ મેં કોણીની વચ્ચે પેન પકડીને લખીને આપી હતી.મારા પોતાના કામ પણ હું જાતે કરવા લાગી હતી.આજ દીન સુધી મને ક્યારેય રાઇટરની જરૃર પડી નથી. 

હાલમાં એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી સ્નેહા કહે છે કે, હું ક્લાસવન અધિકારી બનીને મારા જેવા બીજા લોકોને મદદરુપ બનવા માંગુ છું. આ માટે હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરી રહી છું.દિવ્યાંગ હોવું એ કંઈ અભિશાપ નથી. મારે સમાજને બતાવવુ છે કે,અમે પણ સામાન્ય લોકોની જેમ જીવન જીવી શકીએ છીએ તેમજ સપનાં સાકાર કરી શકીએ છીએ.


Google NewsGoogle News