નરસિંહજીના વરઘોડાના રૃટ પર વાહનો માટે ડાયવર્ઝન
વરઘોડાના રૃટ પર તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ
વડોદરા,આવતીકાલે ૧૫ મી તારીખે ભગવાન શ્રીનરસિંહજીના વરઘોડાને અનુલક્ષીને નાગરિકોને અવગડ ના પડે તે માટે શહેર પોલીસ દ્વારા નો પાર્કિંગ અને ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
દેવદિવાળીના દિવસે એમ.જી.રોડ નરસિંહજીની પોળમાં આવેલા ભગવાન શ્રી નરસિંહજી મંદિરેથી નીકળી એમ.જી.રોડ માંડવી દરવાજાની વચ્ચેની કમાનમાંથી પસાર થઇ વિઠ્ઠલજી મંદિરે આવશે. ત્યાં પૂજા વિધિ થયા પછી ખુલ્લા ટેમ્પામાં પાલખી પધરાવી ચાંપાનેર દરવાજા, અડાણીયા પુલ ચાર રસ્તા, ફતેપુરા ચાર રસ્તા, કુંભારવાડા નાકા, મંગલેશ્વર ઝાંપા સામે થઇ તુલસીવાડીમાં આવેલા તુલસી મંદિરે જશે. જ્યાં લગ્ન વિધિ પૂર્ણ થયા પછી ટેમ્પામાં પાલખી પધરાવી મોડીરાતે નીકલી તે જ રૃટ પરથી નરસિંહજી ભગવાનના મંદિરે પહોંચશે. આ દરમિયાન વરઘોડાના રૃટ પર આવતીકાલે બપોરે ત્રણ વાગ્યાથી બીજે દિવસે સવારના પાંચ વાગ્યા સુધી કોઇપણ વાહનો પાર્ક કરવા માટે મનાઇ ફરમાવતુ જાહેરનામુ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તેમજ વરઘોડાના રૃટ તરફ આવતા તમામ રસ્તાઓ પર વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વરઘોડો આગળ વધ્યા પછી રોડ ખુલ્લો કરવામાં આવશે.