અવિશ્વાસની દરખાસ્ત માટે પ્રમુખ 15 દિવસમાં ખાસ સભા નહીં બોલાવે તો ડીડીઓ સભા બોલાવશે
વડોદરા, તા.23 ઓગસ્ટ 2019, શુક્રવાર
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાતાં જિલ્લા વિકાસ અધિકારી(ડીડીઓ)એ ગાંધીનગર ખાતે વિકાસ કમિશનરને જાણ કરી છે.
ડીડીઓ કમલ ઝવેરીએ કહ્યું છે કે,અવિશ્વાસની દરખાસ્ત મુકવા માટે ૫૦ ટકા સભ્યોની સહી જરૃરી છે.જિલ્લા પંચાયતમાં કુલ ૩૬ સભ્યો હોઇ ૧૯ સભ્યોની સહી હોવી જોઇએ.જ્યારે,ખાસ સભામાં દરખાસ્ત મંજૂર કરવા માટે બે તૃતીયાંશ એટલે કે ૨૪ સભ્યોની મંજૂરી હોવી જોઇએ.
આજે વિરોધ પક્ષના નેતા કમલેશ પરમારે અવિશ્વાસની રજૂ કરેલી દરખાસ્તમાં ૨૪ સભ્યોની સહી છે.જેથી આ દરખાસ્ત સ્વીકારવામાં આવી છે.પંચાયત એક્ટની કલમ ૮૪ મુજબ આગામી ૧૫ દિવસમાં જિલ્લા પંચાયતના પ્રમુખ આ મુદ્દે ખાસ સભા નહીં બોલાવે તો હું (ડીડીઓ) સભા બોલાવીશ.
બળવાખોરોએ ત્રણ કારણ દર્શાવ્યા
કોંગ્રેસના બળવાખોર સભ્યોએ બળવો કરવા બાબતે દરખાસ્તમાં ત્રણ કારણ દર્શાવ્યા છે.જે આ મુજબ છે.
(૧) પ્રમુખે સભ્યોનો વિશ્વાસ ગુમાવ્યો છે.
(૨) પ્રમુખ પન્નાબેન ભટ્ટના પતિ દિલીપભાઇ જ સદંતર વહીવટ કરે છે.
(૩) પંચાયતના વહીવટના કોઇ પણ નિર્ણયમાં સભ્યો સાથે પરામર્શ પણ કરતા નથી.
ઘરની વાત છે ઘરમાં પતાવટ થઇ જશે
જિલ્લા પંચાયતના પ્રમુખ પન્નાબેન ભટ્ટે કહ્યું છે કે,સભ્યોની સહીઓ કરેલી યાદી જૂની છે.તેમાં નવા સભ્યો ઉમેરાયા નથી.દરેક નિર્ણયમાં સભ્યોને સાથે રાખ્યા છે.અત્યાર સુધીમાં સૌથી વધુ ગ્રાન્ટ સભ્યોને મેં આપી છે.કોઇને ગેરસમજ થઇ હોય તો સાથે બેસી નિકાલ કરીશું.ઘરની વાત છે અને તેની પતાવટ ઘરમાં થઇ જશે.
કોંગ્રેસના સભ્યોએ અમારી મદદ માંગી છે
જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા કમલેશ પરમારે કહ્યું છે કે,કોંગ્રેસના સભ્યો તેમના પક્ષના પ્રમુખની કાર્યપધ્ધતિથી લાંબા સમયથી નારાજ હતા.આ સભ્યોએ અમારો ટેકો માંગતા પક્ષના મોવડીઓની મંજૂરી લઇ અમે ટેકો આપ્યો છે.