વડોદરા જિ.પંચાયતની મીટિંગમાં પાદરાના મહંમદપુરાનું નામ મહાદેવપુરા કરવાનાે ઠરાવ
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં વહીવટીકામોને મંજૂરી આપવામાં આવી હતી.આ દરમિયાન પાદરા તાલુકાના મહંમદપુરા ગામના નામને બદલી મહાદેવપુરા કરવાના મુદ્દે ચર્ચા થઇ હતી.
વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પાદરા તાલુકાના મહંમદપુરા ગામનું નામ બદલવાના મુદ્દે તાલુકા પંચાયત દ્વારા મોકલવામાં આવેલો ઠરાવ ચર્ચામાં લેવાયો હતો.મહંમદપુરા ખાતે તા.૭-૭-૨૩ની ખાસ ગ્રામસભામાં ગામનું નામ મહાદેવપુરા કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
ગ્રામ સભાના ઠરાવને પાદરા તાલુકા પંચાયતે તા.૧૬-૧-૨૪ના રોજ મંજૂરી આપી હતી અને ત્યારબાદ આજે વડોદરા જિલ્લા પંચાયતની સભામાં અધ્યક્ષપદે મૂકાયેલા આ ઠરાવને બહાલી આપવામાં આવી હતી અને આ અંગે જિલ્લા કલેક્ટરને ઘટિત કાર્યવાહી કરવા ભલામણ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો.જેથી હવે કલેક્ટર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વિપક્ષના નેતા એમ આઇ પટેલે આ મુદ્દે કહ્યું હતું કે,સામાન્ય વ્યક્તિનું નામ બદલવા માટે કાનૂની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે.મહંમદપુરાનું નામ બદલવામાં કોઇના વાંધા લેવામાં આવ્યા નથી.વળી જન્મના દાખલા,એલસી,ખેતીના દસ્તાવેજો વગરેમાં પણ જુનું નામ હોવાને કારણે કાનૂની ગૂંચ સર્જાશે.વિદેશ જવા માંગતા લોકોને પણ તકલીફ પડશે.આ જ કારણસર અમદાવાદનું નામ હજી કર્ણાવતી કરી શક્યા નથી.
જિલ્લા પંચાયતની ડાયરીમાં છબરડો..કલેક્ટરનું નામ બદલાયું,વાઘોડિયાના ધારાસભ્યને વર્તમાન બતાવ્યા
વડોદરા જિલ્લા પંચાયતની ડાયરી વારંવાર ચર્ચાનો વિષય બનતી હોય છે.આ વખતે ડાયરીમાં અપડેટ કરવાના મુદ્દે છબરડો થતાં ચર્ચાનો વિષય બન્યો છે.
જિલ્લા પંચાયતની મોડેમોડે છપાયેલી ડાયરીમાં થોડા દિવસ પહેલાં જ ચાર્જ લેનાર કલેક્ટરનું નવું નામ મુકવામાં આવ્યું છે.પરંતુ વાઘોડિયાના ધારાસભ્યએ રાજીનામું આપ્યું હોવા છતાં તેમને ધારાસભ્ય તરીકે ચાલુ દર્શાવવામાં આવ્યા છે.
રામમંદિરના મુદ્દે સભા પહેલાં આભાર, બોટકાંડના મૃતકોને સભા પછીઅંજલિ
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા અયોધ્યા ખાતે રામમંદિર બનાવતાં પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ પ્રમુખે આભાર વ્યક્ત કર્યો હતો.જેથી સભાનું કામ પુરું થયું હતું.
આ વખતે વિપક્ષી નેતાએ હરણી બોટકાંડના મૃતકોને અંજલિ આપવા માટે ટકોર કરતાં શાસક પક્ષે ભૂલ સુધારી હતી અને તરત જ મૌનપાળી મૃતકો માટે શોકદર્શક ઠરાવ કર્યો હતો.