વડોદરા જિ.પંચાયતની 30 નોટિસ પછી પણ કામ નહિ થતાં બે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી, PPP ધોરણે મિલકતોને ડેવલપ કરાશે
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની ત્રણ મહિને મળતી જનરલ બોડી મીટિંગમાં વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.જે દરમિયાન પાંચ માઇનોર ઇરિગેશન ટેન્કના અંદાજે રૃ.સવા કરોડના કામો શરૃ નહિ કરનાર બે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયતના સભાગૃહનું રિનોવેશન ચાલી રહ્યંુ હોવાથી ગઇ સભા કોઠીના ધારાસભા હોલમાં મળી હતી.જ્યારે આજે નવી કલેક્ટર કચેરી ખાતે મીટિંગ મળી હતી.જેમાં પંચાયતના સયાજીપુરા સ્ટોર બિલ્ડિંગ,કરનાળી રેસ્ટ હાઉસ અને સાવલી બસ સ્ટેન્ડ પાસેની જૂની ઓફિસને પીપીપી ધોરણે ડેવલપ કરવા ઠરાવ કરાયો હતો.
આ ઉપરાંત વાઘોડિયા તાલુકાના જરોદ, કોટંબી અને રવાલ ગામે તેમજ સાવલીના વડદલા ગામે માઇનોર ઇરિગેશન ટેન્કનો દોઢ વર્ષ પહેલાં અંદાજે રૃ.એક કરોડનો કોન્ટ્રાક્ટ લેનાર છાણીની મિરલ કનસ્ટ્રક્શનને ૨૩ નોટિસ આપી હોવા છતાં કામ શરૃ કર્યું નથી. જ્યારે,સાવલીના જાવલા ગામે આવી જ રીતે માઇનોર ઇરિગેશન ટેન્કનું અંદાજે રૃ.૧૮ લાખનું કામ લેનાર રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ સોલંકીને પણ ૭ નોટિસ આપવા છતાં કામ શરૃ કર્યું નથી.જેથી બંને કોન્ટ્રાક્ટર સામે બ્લેક લિસ્ટ તેમજ ડિપોઝિટમાંથી રકમ કાપવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જિલ્લામાં જુદાજુદા તાલુકાઓમાં વિકાસના ૧૩ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
DDOના બંગલા માટેની જમીન પડી રહી છે,હાલના બંગલાનું રિનોવેશન કરાશે
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા ૩૦ વર્ષ પહેલાં ડીડીઓ માટે માંજલપુર વિસ્તારમાં પ્લોટ લેવામાં આવ્યો હતો.પરંતુ હજી તેનો કોઇ ઉપયોગ કરવામાં આવ્યો નથી.
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી(ડીડીઓ)ના નિવાસ્થાન માટે માંજલપુરમાં ભવન્સ સર્કલ પાસે મોટા પ્લોટ લેવામાં આવ્યા હતા.જેમાં એક પ્લોટમાં પ્રમુખનો બંગલો બનાવી દેવામાં આવ્યો છે.પરંતુ ડીડીઓનો બંગલા માટેનો પ્લોટ વર્ષોથી પડી રહ્યો છે.
આ દરમિયાન હાલમાં ડીડીઓ અલકાપુરી વિસ્તારમાં કલેક્ટર અને પોલીસ કમિશનરના બંગલા નજીક સીતારામ બંગલામાં રહે છે.૧૦૦ વર્ષ જૂના બંગલાનું પીડબલ્યુડી દ્વારા રિનોવેશન કરવામાં આવનાર છે.જે દરમિયાન ડીડીઓ સરકારી ખર્ચે બીજે રહેવા જશે.
જિ.પં.ના 34 સભ્યો અને બે અધિકારી પંચાયતના ખર્ચે સાત દિવસની ટૂર પર જશે
વડોદરા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ પંચાયતના ખર્ચે સાત દિવસની ટૂર પર જનાર છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડાના અધ્યક્ષ પદે મળેલી મીટિંગમાં આ ટૂર માટે અગાઉ ફાળવેલા રૃ.૫ લાખનો ખર્ચ ઓછો પડે તેમ હોવાથી વધારાના રૃ.૩ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા.
ડીડીઓએ કહ્યું હતું કે,પાક નિદર્શન શિબિર માટેની ટૂરમાં ૩૪ સભ્યો અને બે અધિકારીનો જ ખર્ચ પંચાયત ભોગવશે.જો કોઇ સદસ્યના પરિવારની વ્યક્તિ જોડાશે તો તેનો ખર્ચ તેમણે ભોગવવો પડશે.
પંચાયત પાસે ઇંગ્લિશ મીડિયમની માત્ર ચાર સ્કૂલ,બીજી સ્કૂલો ક્યારે બનશે
વડોદરા જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણ વિભાગ પાસે અંગ્રેજી માધ્યમની માત્ર ચાર જ સ્કૂલો છે.વિરોધ પક્ષના નેતા એમઆઇ પટેલે કહ્યું હતું કે,વડોદરા,ડભોઇ,વાઘોડિયા અને પાદરા તાલુકામાં ચાર સ્કૂલો આવેલી છે.વર્તમાન સમયની માંગણી પ્રમાણે બીજા ચાર તાલુકામાં પણ આવી સ્કૂલો બનવી જરૃરી છે.જેથી શિક્ષણ વિભાગે આ બાબતે ગંભીરતા પૂર્વક વિચારણા કરવી જોઇએ.