વડોદરાના શિનોરમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે
image : Freepik
- શિનોરમાં છેલ્લે 2016માં જિલ્લા કક્ષાએ ઉજવણી થઇ હતી
વડોદરા,તા.20 જાન્યુઆરી 2024,શનિવાર
વડોદરા જિલ્લાના શિનોરમાં આગામી તા.26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જે.સી.પટેલ હાઈસ્કૂલમાં કરવામાં આવશે.
શિનોરમાં 75માં ગણતંત્ર પર્વની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને વડોદરામાં બેઠક યોજાઈ હતી.
તેમણે પ્રજાસતાક પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે થાય તે માટે બેઠકમાં જરૂરી સૂચનો કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, મહાનુભાવો અને લોકો માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સરકારી ઇમારતો પર રોશની, ઉપરાંત કાર્યક્રમમાં પોલીસ દ્વારા ડોગ શો, હોર્સ શો યોજવામાં આવશે. તા.24 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે શિનોરમાં તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવશે.
વર્ષ 2016 બાદ શિનોર તાલુકામાં જિલ્લા કક્ષાની ઉજવણી થતી હોવાથી આ પર્વમાં મહત્તમ લોકો જોડાઇ દેશપ્રેમ વ્યક્ત કરે એ પ્રકારે ઉજવણી કરવા માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકારો, રમતવીરો, વિશિષ્ઠ પ્રતિભાઓ, શ્રેષ્ઠ કામગીરી કરનારા સરકારી કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે.
ગણતંત્ર પર્વ નિમિત્તે રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સિદ્ધિઓની ઝાંખી કરાવતા ટેબ્લોનું વિવિધ વિભાગો દ્વારા નિદર્શન કરવામાં આવશે. બાળકો દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.