એસએસજી હોસ્પિટલમાં ૧૦ મહિનાથી 'ડેસ્ફેરાલ' ઇન્જેક્શનનું વિતરણ બંધ
થેલેસેમિયાગ્રસ્ત બાળકને રોજ એક કે બે ઇન્જેક્શનની જરૃર પડે છે, જો સરકારી ઇન્જેક્શન ના મળે તો મહિને રૃ.૫ થી ૧૦ હજારનો ખર્ચ કરવો પડે
વડોદરા : થેલેસેમિયા મેજર બાળકોની સારવાર માટે જરૃરી 'ડેસ્ફેરાલ' ઇન્જેક્શનનો જથ્થો ૧૦ મહિનાથી એસએસજી હોસ્પિટલમાં આવ્યો નથી જેના કારણે મધ્ય ગુજરાતના થેલેસેમિયાગ્રસ્ત સેંકડો ગરીબ બાળકોને આ ઇન્જેક્શન નહી મળતા જીવ જોખમમાં મુકાયા છે.
થેલેસેમિયા એક અનુંવાશિક રોગ છે. તે માતા પિતા તરફથી બાળકને મળે છે. આ રોગમાં શરીરમાં હિમોગ્લોબિન બનાવવાની પ્રક્રિયામાં ખરાબ રીતે ગરબડ સર્જાય છે જેના કારણે થેલેસેમિયાગ્રસ્ત બાળકોનું હિમોગ્લોબીનનું સ્તર ૧૨ થી ઘટીને ૫ થી ૬ સુધી આવી જાય છે. આવા બાળકોમાં હિમોગ્લોબીન વધારવા માટે વારંવાર લોહી ચઢાવુ પડે છે અને તેના કારણે લોહીમાં લોહ તત્વ (આર્યન)નું સ્તર ખુબ વધી જાય છે. લોહ તત્વ વધી જવાથી કિડની, હાર્ટને સીધી અસર થાય છે. શરીર બેડોળ થઇ જાય છે, કાળુ પડે છે, બરોડ વધી જાય છે. આ સમસ્યાને જો કાબુમા ના લેવામાં આવે તો બાળકનું મૃત્યુ પણ થઇ શકે.
લોહ તત્વના સ્તરને કાબુમાં લેવા માટે બાળકને રોજ એક અથવા બે ડેસ્ફેરાલ ઇન્જેક્શન આપવા પડે. આ ઇન્જેક્શન એક ઇન્ફ્યુઝન પંપ દ્વારા આપવામાં આવે અને આ પ્રક્રિયા રોજ ૮ કલાક સુધી ચાલે. ઇન્ફ્યુઝન પંપની કિંમત રૃ.૪૦ હજાર છે જો કે ગરીબ બાળકોને સામાજિક સંસ્થા દ્વારા તે નિઃશૂલ્ક આપવામાં આવે છે જ્યારે ડેસ્ફેરાલ ઇન્જેક્શનની કિંમત રૃ.૧૭૦ છે. મહિનાના ૩૦ થી ૬૦ ઇન્જેક્શનની જરૃર પડે એટલે મહિનાનો ૫ હજારથી ૧૦ હજાર સુધીનો ખર્ચ આવે પરંતુ ગરીબ બાળકો માટે આ ઇન્જેક્શન સરકારી હોસ્પિટલમાં નિઃશુક્લ આપવામા આવે છે. એસએસજી હોસ્પિટલમાં દર ગુરૃવારે બપોરે ૩ વાગ્યાથી વિતરણ કરવામાં આવે છે અને દર્દીને આખા મહિનાનો જથ્થો આપવામા આવે છે પરંતુ છેલ્લા ૧૦ મહિનાથી એસએસજી હોસ્પિટલ પાસે ઇન્જેક્શનનો જથ્થો નહી હોવાથી વિતરણ કરાયુ નથી.