3 થી 4 ડીગ્રી ગરમી વધતાં લોકો જાગ્યાઃ ત્રણ દિવસમાં 50000 વૃક્ષાેનું વિતરણઃએક વર્ષમાં 4.65 લાખ રોપાનું વિતરણ કરાશે
વડોદરાઃ દર વર્ષ કરતાં આ વખતે ગરમીના વધી ગયેલા પ્રકોપને કારણે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધી રહી છે.આજે વિશ્વ પર્યાવરણ દિને વડોદરામાં એક જ દિવસે ૫૦ હજારથી વધુ રોપાનું વિતરણ કરવામાં આવ્યંું હતું.
આ વખતે ગરમીનું પ્રમાણ ૩ થી ૪ ડીગ્રી વધુ રહેતાં લોકો ત્રસ્ત થઇ ગયા છે.ગરમીના પારાએ લાંબા સમયનો રેકોર્ડ તોડયો હતો.ગરમી વધવાનું સર્વ સામાન્ય કારણ ક્લાઇમેટ ચેન્જ અને વૃક્ષોનું નિકંદન છે.ગરમીની અસર આજે પણ જનજીવન પર જોવા મળી રહી છે.
અસહ્ય ગરમીની સાથે સાથે લોકોમાં પર્યાવરણ માટેની જાગૃતિ વધી રહી છે અને વૃક્ષોના વાવેતર માટે રૃચી દેખાઇ રહી છે.આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી દરમિયાન વડોદરાના કમાટીબાગ પાછળ આવેલી ફોરેસ્ટ વિભાગની કચેરીએ લોકોનો ભારે ધસારો રહ્યો હતો.આરએફઓ કરણસિંહ રાજપૂતે કહ્યું હતું કે,માત્ર ત્રણ દિવસમાં જ અમે ૫૦૦૦૦ રોપાનું વિતરણ કર્યું છે.
ગત વર્ષે ફોરેસ્ટ વિભાગે જુદીજુદી સંસ્થાઓ,સરકારી વિભાગો અને વ્યક્તિગત લોકોને ૩લાખ રોપા આપ્યા હતા.આ વખતે રોપાની ડિમાન્ડ વધી છે.જેથી અમારા ટ્રેઇન્ડ કર્મચારીઓએ અગાઉથી તૈયારી કરી રોપામાં ૫૦ ટકાનો વધારો કર્યો છે.જેથી આ વર્ષે કુલ ૪.૬૫ લાખ રોપાનું વિતરણ કરવાના છીએ.
આંબા,આમળા,સેતુર,જાંબુ,ઔદુંબર, લીમડો,તુલસી જેવા છોડની વધુ ડિમાન્ડ
મકાનના કમ્પાઉન્ડ તેમજ ટેરેસ ગાર્ડન માટે લોકોમાં રૃચી વધી
મકાનના કમ્પાઉન્ડ તેમજ ટેરેસ ગાર્ડનમાં લોકોની રૃચી વધતાં ફોરેસ્ટ વિભાગમાં વિનામૂલ્યે મળતા રોપા લેવા માટે લોકોનો ધસારો વધી રહ્યો છે.
ફોરેસ્ટ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,લોકોમાં પર્યવરણ પ્રત્યેનો પ્રેમ વધી રહ્યો હોવાથી અમારી પાસે રોપાની ડિમાન્ડ વધી છે.નાના ફ્લેટમાં રહેતા લોકો પણ તુલસી,અરડુસી,ગિલોઇ,ફુલ, બિલિ પત્ર જેવા રોપાનો આગ્રહ રાખે છે.
આરએફઓ એ કહ્યું હતું કે,અમારી પાસે જે રોપાની માંગણી વધુ થઇ રહી છે તેમાં આંબા,આમળા,સેતુર,જાંબુ,ઔદુંબર(ઉમરડો), લીમડો જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે.
લોકો તો જાગ્યા,કોર્પોરેશન ક્યારે જાગશે..વડોદરામાં પર્યાવરણના
વીલન જેવા વૃક્ષ કોનોકાર્પસનું હજારોની સંખ્યામાં રોપાણ
પર્યાવરણ અને માનવજાત માટે નુકસાનકારક એવા કોનોકાર્પસ વૃક્ષ પ્રત્યેનો વડોદરા કોર્પોરેશનનો લગાવ હજી દૂર થતો નથી.
વડોદરાને રાતોરાત લીલુંછમ કરવા માટે કોર્પોરેશન દ્વારા કોનોકાર્પસ વૃક્ષોનું મોટેપાયે વાવેતર કરવામાં આવ્યું હતું.અમેરિકાના તટિય ક્ષેત્રનું આ વૃક્ષ ભૂગર્ભ જળ શોષી લેતું હોવાની, તેના મૂળ રસ્તા,ડ્રેનેજ, પાણીની લાઇનોને નુકસાન કરતા હોવાની તેમજ તેના ફૂલોની પરાગરજ થી અસ્થમાના દર્દીઓને તકલીફ થતી હોવાથી ફોરેસ્ટ વિભાગે તેની તમામ કચેરીઓને આ વૃક્ષનું વાવેતર બંધ કરવા સૂચના આપી હતી.
પરંતુ કોર્પોરેશને આ વૃક્ષને કાપીને નાના કરવાનું મુનાસીબ માન્યું છે અને ૧૦ થી ૧૫ ફૂટ ઉંચા વૃક્ષોને કાપીને અડધા કરવામાં આવ્યા છે.પર્યાવરણ પ્રેમીઓ કહી રહ્યા છે કે શું આમ કરવાથી વૃક્ષ તેનો ગુણધર્મ નહિં બદલે.તેને દૂર કરવા જોઇએ.
રોપાની પાછળ એક બાળકના ઉછેર જેવી માવજત
રોપાની ઉછેર પાછળ ફોરેસ્ટ વિભાગને એક બાળકને ઉછેરવા જેવી મહેનત કરવી પડતી હોય છે.ગુણવત્તા સભર વૃક્ષના બીજ કલેક્શન કર્યા બાદ તેમાં માટી અને ખાતરથી પોષણ,બેગમાં ઉછેર,પાણી અને બે મહિનાથી એક વર્ષ સુધીના સમયગાળા દરમિયાન તડકા છાંયમાં ફેરબદલી જેવી વિધિ માં ટ્રેઇન્ડ લેબર, ફોરેસ્ટના ગાર્ડ તેમજ ઓફિસર સતત નિગરાણી રાખતા હોય છે.