વડોદરા જિલ્લામાં કોંગ્રેસનું ધોવાણઃવિધાનસભા લડનાર બે આગેવાનોની ભાજપમાં ઘરવાપસી
વડોદરાઃ વડોદરા જિલ્લામાં કોંગ્રેસમાં વધુ એક મોટું ભંગાણ પડતાં
કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.ભાજપમાંથી બળવો કરી વિધાનસભા લડેલા સાવલી અને
ડભોઇના બંને ઉમેદવારોની આજે વાજતેગાજતે ઘરવાપસી કરવામાં આવી હતી.
તાજેતરમાં વિધાનસભાન ચૂંટણી યોજાતાં ભાજપના સાવલીના ડેસર ખાતે
રહેતા બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ બળવો કર્યો હતો અને કોંગ્રેસના
સિમ્બોલ પર ભાજપના ધારાસભ્ય સામે ઉમેદવારી કરી હતી.જેમાં તેમનો પરાજય થયો હતો.
આવી જ રીતે વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ
ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે(ઢોલાર) પણ ભાજપમાંથી બળવો કર્યો હતો અને કોંગ્રેસની ટિકિટ
લઇ ભાજપના ધારાસભ્ય સામે ઉમેદવારી કરી હતી.પરંતુ તેમનો પણ પરાજય થયો હતો.
આ બંને આગેવાનોની આજે ભાજપમાં વાજતેગાજતે ઘરવાપસી થઇ છે.જેમાં સાવલીના ક્ષત્રિય આગેવાન ૧૦૦ થી વધુ કાર સાથેની રેલી સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગયા હતા અને એક હજાર જેટલા કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો.નોંધપાત્ર બાબત એ છે કે,બંને ઉમેદવારો કોંગ્રેસ છોડવાના છે તેવી અટકળો લાંબા સમયથી ચાલતી હોવા છતાં કોંગ્રેસ ડેમજ કંટ્રોલ કરી શકી નહતી.