વોર્ડ વિઝાર્ડ કંપની અને ગ્લોબલ સિક્યુરિટી વચ્ચેના વિવાદમાં બે મહિનાના પગારથી વંચિત ગ્લોબલ કંપનીના સિક્યુરિટી કર્મચારીઓ રોષે ભરાયા
Protest of Employee in Vadodara : ઈલેક્ટ્રીક બાઈક બનાવતી આજવા-વાઘોડિયા બાયપાસની વોર્ડ વિઝાર્ડ કંપનીના સિક્યુરિટી કર્મીઓ બે મહિનાનો પગાર વારંવાર ધક્કા ખાવા છતાં નહીં મળતાં રોષે ભરાયા છે. એજન્સીવાળા કહે છે કે અમને કંપની તરફથી નાણા મળ્યા નથી. કંપની તંત્ર કેટલાય દિવસથી કહે છે કે એક બે દિવસમાં નાણા ચુકવાઇ જશે. મામલો લેબરકોર્ટ તરફ લઈ જવાના ચક્રો ગતિમાન થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈલેક્ટ્રીક 'જોય ઈ બાઈક' આજવા-વાઘોડિયા વચ્ચેના બાયપાસ રોડ પર વોર્ડ વિઝાર્ડ કંપનીમાં ઈમ્પોર્ટ કરાયેલા સાધનો દ્વારા બનાવાય છે. આ કંપનીમાં ગ્લોબલ સિક્યુરિટી એજન્સીના માણસો સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાય વખતથી આ કંપની બંધ થઈ ગઈ હોવાનું કહેવાય છે. જેથી સિક્યુરિટી એજન્સીના માણસો છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત રહ્યા છે. મોંઘવારીના જમાનામાં ગરીબ સિક્યુરિટી ગાર્ડ કર્મીઓને પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું એ પ્રશ્ન સતાવી રહ્યો છે.
આ અંગે કંપનીના કર્મીઓ પગાર બાબતે ગ્લોબલ એજન્સીમાં વારંવાર રજૂઆત કરવા જતા હતા. પરંતુ એજન્સીવાળા દ્વારા કહેવામાં આવતું હતું કે અમને કંપની તરફથી નાના મળ્યા નથી તો અમે પગાર કેવી રીતે ચૂકવીએ? કંપની તરફથી નાણાં મળ્યા બાદ તાત્કાલિક ધોરણે તમામ સિક્યુરિટી ગાર્ડને પગારના નાણા ચૂકવી દેવાશે તેવી હૈયાધારણ સિક્યુરિટી એજન્સી દ્વારા આપવામાં આવતી હતી. કંપનીનું કામકાજ કહેવાય છે કે બંધ થતાં બે દિવસ બાદ તમામ કર્મીઓને પગાર લેવા માટે આવવા જણાવ્યું હતું.
દરમિયાન કંપની ખાતે આજે એકત્ર થયેલા વિસેક જેટલા રોષે ભરાયેલા કર્મીઓએ કંપની સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવા તૈયારી દાખવી હતી. પરંતુ ત્યારે પણ પગાર આપવામાં આવ્યો ન હતો. આમ પગારથી વંચિત કર્મીઓ પોતાની એજન્સી અને કંપની વચ્ચે વારંવાર ભીસાતા રહ્યા હતા. રોષે ભરાયેલા અને આર્થિક સંકટમાં ફસાયેલા કર્મીઓ કંપની અને એજન્સી વચ્ચે વારંવાર ધક્કા ખાઈને કંટાળ્યા છે. પરિણામે કંપની ખાતે એકત્ર થયેલા કર્મીઓએ તંત્રને રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ સાનુકૂળ પરિણામ આવ્યું નથી. જેથી પગારના નાણાથી વંચિત ગરીબ કર્મીઓ હવે લેબર કોર્ટમાં રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે.