બિલ્ડર કમ ફાયનાન્સરના પુત્ર સહિત બે આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર

કેનેડામાં બેઠાં બેઠા બિલ્ડર ભૂપેન્દ્ર ઉર્ફે ટીનો ગુનાને અંજામ આપવા માર્ગદર્શન આપતો હોવાનું ખૂલ્યું હતું

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
બિલ્ડર કમ ફાયનાન્સરના પુત્ર સહિત બે આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર 1 - image

 વડોદરા,ચાર વર્ષ પહેલા  એક્સપોર્ટ-ઇમ્પોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીની કારમાં રિવોલ્વર મૂકીને ફસાવી દેવાના કેસમાં સામેલ  બિલ્ડર  કમ ફાઇનાન્સર ભૂપેન્દ્ર ઉર્ફે ટીનાના પુત્ર સહિત બે આરોપીઓએ કેસમાંથી બિન તહોમત છોડી દેવા માટે કરેલી ડિસ્ચાર્જ અરજી કોર્ટે નામંજૂર કરી છે.

જુલાઇ ૨૦૧૯માં વાસણા-ભાયલી રોડ પર એસ ક્રોસ ગાડીની ડીકીમાં મેટીંગની નીચે ત્રણ જીવતા કારતુસ અને રિવોલ્વર ઝડપાતા પોલીસે ગાડીના ચાલક તેમજ વેપારી સ્નેહ ભાવિનભાઇ પટેલ (રહે.વૈભવ બંગ્લોઝ, ગોરવા વર્કશોપની પાછળ)ની ધરપકડ કરી હતી. તેણે  પોલીસ સમક્ષ એવી શંકા વ્યક્ત કરી હતી કે, માંજલપુરમાં રહેતા બિલ્ડર કમ ફાયનાન્સર ભૂપેન્દ્ર ઉર્ફે ટીનાભાઇ શાંતિલાલ શાહ અને મારા પિતા શ્રીજી એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા હતા. પરંતુ વર્ષ-૨૦૧૦માં પિતાનું અવસાન થયા બાદ પોતે હિસાબ માંગવા ગયા ત્યારે હિસાબ અંગે વિવાદ થયો હતો.  તેમજ શંકરપુરા ગામની જમીનનો પણ વિવાદ હોવાથી તેમણે મને ફસાવ્યો હોઇ શકે.

સ્નેહની આશંકાના પગલે પોલીસે રિવોલ્વર અંગેની બાતમી આપનાર દિપક ઉર્ફે જબ્બર રાજધારી ગીરી (રહે.હાઉસીંગ બોર્ડ, ગોરવા)ની પૂછપરછ  કરતા તે ભાંગી પડયો  હતો અને સ્નેહ પટેલની ગાડીમાં રિવોલ્વર પોતે જ મુકી હતી તેમજ રિવોલ્વર મુકવાનું કામ ભૂપેન્દ્ર ઉર્ફે ટીનાએ સોંપ્યું હોવાનું કબૂલ્યુ હતું. ભૂપેન્દ્ર ઉર્ફે ટીનાના પુત્ર દર્ષિત ઉર્ફે ક્રિષ્ણાએ સ્નેહનું ઘર બતાવ્યું હતું. જ્યારે ભૂપેન્દ્ર ઉર્ફે ટીનાએ રિવોલ્વરની વ્યવસ્થા કરી આપી હતી. ઉલ્લેખનીય છે  કે, તે સમયે ભૂપેન્દ્ર ઉર્ફે ટીનો કેનેડામાં હતો.

રિવોલ્વર ગાડીમાં મુકવાના કામ અંગે એક  લાખ માટે ભૂપેન્દ્ર ઉર્ફે ટીનાના કહેવાથી તેમની ઓફિસનો કર્મચારી નરેન્દ્ર બેચરભાઇ પટેલ (રહે.સામ્રાજ્ય-૧, મુજમહુડા રોડ)ને મોકલ્યો હતો. જો કે પોલીસની ટ્રેપ દરમિયાન નરેન્દ્ર પટેલ ઝડપાઇ ગયો  હતો અને બાદમાં દર્ષિત ઉર્ફે ક્રિષ્ણાની પણ ધરપકડ કરી હતી. આ કેસમાં પોતાને બિન તહોમત છોડી દેવા માટે દર્ષિત ઉર્ફે ક્રિષ્ણા તથા નરેન્દ્ર પટેલે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. જ ેઅરજી કોર્ટે નામંજૂર કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી વિરૃદ્ધ  પ્રથમદર્શનીય ગુનાઓ જણાય છે. જેથી, તેઓને ડિસ્ચાર્જ કરી શકાય નહીં.


Google NewsGoogle News