લેક ઝોન બોટ હોનારત બાદ તંત્ર જાગ્યુ, વડોદરાની ૧૦૫૦ સ્કૂલોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગ
વડોદરાઃ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા વડોદરા જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં શાળા સલામતી સપ્તાહનુ આયોજન કરાયુ છે.જેનો પ્રારંભ આજે શહેરની ફર્ટિલાઈઝર સ્કૂલ ખાતેથી થયો હતો.આ કાર્યક્રમના ભાગરુપે તા.૩ ફેબુ્રઆરી સુધીમાં જિલ્લાની કુલ ૧૦૫૦ પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને તાલીમ આપવામાં આવશે.
હરણી વિસ્તારના લેક ઝોન ખાતે સર્જાયેલી બોટ હોનારતમાં ૧૨ માસૂમ બાળકો અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે અને ડિઝાસ્ટર મેનેજેમેન્ટની ટ્રેનિંગ આપવાન શરુ કરાયુ છે.વડોદરાના પ્રોજેકટ ઓફિસર બી ચિરાસ્મિતાના જણાવ્યા પ્રમાણે આગ, ધરતીકંપ, પૂર, વાવાઝોડા જેવી સ્થિતિમાં બચાવ કેવી રીતે કરી શકાય તેનુ નિર્દેશન વિદ્યાર્થીઓ સમક્ષ કરાશે અને તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
આજથી આ ટ્રેનિંગ પ્રોગ્રામનો પ્રારંભ થયો છે.આજે વડોદરા જિલ્લાની ૭૬ પ્રાથમિક સ્કૂલોમાં આ પ્રોગ્રામના ભાગરુપે આગ બૂઝાવવાની કામગીરીનુ, એનડીઆરએફ દ્વારા રેસ્કયૂનુ તેમજ રેડક્રોસ દ્વારા પ્રાથમિક સારવારનુ નિર્દેશન વિદ્યાર્થીઓ સમક્ષ કરવામાં આવ્યુ હતુ.કુલ મળીને સરકારની ૧૪ એજન્સીઓ આ કાર્યક્રમમાં સામેલ થઈ છે.
એક સપ્તાહ સુધી તબક્કાવાર તમામ સ્કૂલોમાં આ પ્રકારનુ નિર્દેશન અને તાલિમ યોજીને તમામ સ્કૂલોને આવરી લેવામાં આવશે.