ફૂડકોર્ટમાં ખદબદતી ગંદકી : લોકો જમવા બેઠાં હોય ત્યાં કુતરા ઘુસી જવાથી હાલાકી
સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી હાલત
વરસાદ, ઠંડી અને ગરમીની અસર નિવારવા શેડની જગ્યાએ ધાબુ ભરવાની અને જમવાની જગ્યા ફરતે દિવાલ બાંધી દેવાની માંગણી
એક સમયે ફૂડકોર્ટની જગ્યાએ ગેરકાયદે લારી ગલ્લા રાખીને નાના
વેપારીઓ રોજગારી મેળવતા હતાં. તે સમયથી એટલે,
કે ત્રણ ચાર દાયકા ઉપરાંત સમયથી આ ખાણી પીણી બજાર ખ્યાતનામ છે. બાદમાં સરકારે
અહીં રસ્તા, વીજળી, પાણી, ગટર અને ગેસની
લાઇન સહિતની સુવિધા સાથેની ૯૬ દુકાનો બાંધીને જુના વેપારીઓને તેની મફતના ભાડાના
દરથી ફાળવી હતી. વખત વીતવા સાથે જરૃરી જાળવણી નહીં થવાથી આખી ફૂડકોર્ટ વિસ્તારમાં
ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. રખડતાં ઢોરના અડિંગાથી અહીં વ્યાજબી ભાવમાં નાસ્તા
કરવા કે જમવા આવતાં લોકો પર રખડતા ઢોરના હુમલાની દહેશત મંડરાતી રહે છે. ઉપરાંત
કુતરા પણ આવી જવાથી અફરાતફરીનો માહોલ સર્જાઇ જાય છે. પશુના ત્રાસને નિવારવા દુકાનો
અને જમવાની જગ્યા ફરતે ૩ ફૂટની દિવાલ બાંધી આપવાની પણ માંગણી વેપારીઓએ કરી છે.
ઘણી દુકાનોના સંચાલકોએ લાંબા સમયથી નજીવું ભાડું પણ ભર્યું નથી
ફૂડકોર્ટમાં રાજકીય ઓથ ધરાવતા એવા વેપારીઓ છે. જેમણે લાંબા
સમયથી નજીવું ભાડું ભરવાની દરકાર કરી નથી. ઉપરાંત ત્રણ ત્રણ નોટિસ પછી પણ તેઓ
તંત્રને ગાંઠતા નથી. મહિને લાખ્ખો રૃપિયાનો વેપાર કરવાની સાથે ઘણા વેપારીએ વ્યાપક
દબાણો ખડક્યાં છે. ઘણા કિસ્સામાં મુળ લાભાર્થીઓ પાસેથી દુકાનો કુલમુખત્યાર નામાના
આધારે મફતના ભાવે વેચાતી કે ભાડે લઇ લેવાઇ છે. ભાડા વસૂલાત અને દબાણો ખસેડવા પોલીસ
બંદોબસ્ત જરૃરી હોય પાટનગર યોજના વિભાગ દ્વારા ઘણા પત્રો લખાયા પછી તેનો મેળ પડતો
નથી.