બકરાવાડી વિસ્તારમાં પીળા રંગનું પીવાનું પાણી મળતાં રોગચાળાનો ભય
પાણીમાં જીવડાં અને અળસિયાં પણ જોવા મળે છે પાણીના ૭ સેમ્પલ લેતાં ૩ ફેઇલ થયાં
વડોદરા, તા.18 વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પીળા રંગનું પાણી મળતાં લોકો રોગચાળો વકરે તેવા ભયથી ફફડી ઊઠયા છે.
વોર્ડ નં-૧૩ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ પાણી સતત ગંદુ, પીળું અને જીવડાંવાળુ મળતું હોવાથી ફરિયાદ કરતા સુપરસકર મશીનથી ચોકઅપ થયેલી ડ્રેનેજની સફાઇ પછી પણ આજે, પાણી પીળું આવ્યું છે. કોર્પોરેશને ગંદા પાણીના ૭ નમૂના લેતા તેમાંથી ૩ ફેઇલ આવ્યા છે એટલે કે પાણી દૂષિત મળે તે સાબિત થયું છે. હાલ આકરી ગરમી છે અને પાણીનો વપરાશ વધ્યો છે તેવા સમયે આવું પાણી મળતાં લોકો ભયભીત થયાં છે. દરમિયાન તેમણે કમિશનરને લખેલાં પત્રમાં જણાવ્યું છે કે બકરાવાડીમાં પીળારંગનું અને નવાપુરામાં કાળારંગનું પાણી મળે છે.
વોર્ડ નં-૧૩માં સમગ્ર બકરાવાડીના વિસ્તારોમાં પીવાના પાણીમાં અળસિયા જોવા મળે છે. ડ્રેનેજયુક્ત કાળુ અને પીળારંગનું ગંદુ પાણી મળે છે, જે પી ન શકાય તેવું હોય છે. આ પ્રકારના ગંદા પાણીથી વોર્ડમાં ઠેર ઠેર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. વોર્ડમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો રહે છે, જેઓને ચોખ્ખું પાણી આપવા માટે વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ ગયેલલું છે. તંત્રે નાગરિકોને પોતાના હાલ પર છોડી દીધા છે, એવો આક્ષેપ તેમણે કર્યો છે. નાગરિકો વેરો ભરતા હોવા છતાં પ્રાથમિક સુવિધાઓ તંત્ર દ્વારા અપાતી નથી. પાણીની આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે વહેલી તકે કામગીરી કરાવવા તેમણે માગ કરી હતી અને ઉમેર્યું હતું કે વહીવટી વોર્ડ નં-૧૩માં અપૂરતો સ્ટાફ હોવાથી તેની અસર કામગીરી પર પડે છે.