દસ વર્ષથી પીવાનું પાણી ગંદુ અને ઓછા પ્રેશરથી આવતા રોષ : મહિલાઓનો સૂત્રોચ્ચાર
Dirty Water Protest in Vadodara :વડોદરા શહેરના સોમા તળાવ આસપાસની અનેક સોસાયટીઓમાં દસેક વર્ષથી પૂરતા પ્રમાણમાં ચોખ્ખું પાણી મળતું નહીં હોવાના આક્ષેપો સાથે એકત્ર સ્થાનિક રહીશોએ પાણી આપો પાણી આપો ના સૂત્રો પોકારીને તંત્ર સમક્ષ રોશ વ્યક્ત કર્યો હતો. વર્ષોથી વારંવાર રજૂઆત છતાં પાલિકા તંત્ર- અધિકારીઓ કોઈ વાત સાંભળતા નથી. હવે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં કોઈ પાછી પાની કરવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે સોમા તળાવ ઇલેક્શન વોર્ડ 16ના આસપાસની અનેક સોસાયટીમાં સ્થાનિક રહીશો છેલ્લા 10-15 વર્ષથી રહે છે. આમ છતાં સ્થાનિક રહીશોને પીવાનું પાણી પૂરતા પ્રેસરથી અને ચોખ્ખું મળતું નથી. અવારનવાર ગંદુ અને ડહોળું પાણી આવતું હોવાની સ્થાનિક મહિલાઓએ ફરિયાદો કરી છે આ ઉપરાંત વિસ્તારમાં ડ્રેનેજો પણ વારંવાર ઉભરાય છે. જોકે સ્થાનિક મહિલાઓ સહિત પરિવારના અનેક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને "પાણી આપો પાણી આપો" ના નારા જોરથી લગાવ્યા હતા.
આ અંગે તેમણે જણાવ્યું હતું કે પાલિકા તંત્રને વર્ષોથી આ બાબતે રજૂઆત કરતા આવ્યા છે પરંતુ તંત્રના બહેરા કાને કોઈ વાત સંભળાતી નથી. જોકે સ્થાનિક કોર્પોરેટર સ્નેહલબેન પણ પાલિકાની સભામાં વારંવાર રજૂઆત કરીને થાક્યા છે પરંતુ મ્યુનિસિપલ કમિશનર મેયર કે ચેરમેન આ બાબતે કોઈ સાંભળવા તૈયાર નહીં હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. જોકે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ અધિકારી પાણીની ફરિયાદ બાબતે તપાસ કરવા આવે ત્યારે થોડો સમય ઉડતા પ્રેશરમાં અને ચોખ્ખું પાણી મળે છે પરંતુ અધિકારી જેવા તપાસ કરીને જાય કે વોહી રફતાર ની જેમ ફરી પાછું ઓછા પ્રેશરથી ગંદુ પાણી શરૂ થઈ જાય છે.
અધિકારીઓનું કહેવું છે કે પાણીની પાઇપો આવી ગઈ છે. હવે ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે. જોકે હવે જ્યારે વરસાદ દરવાજે દસ્તક દઈ રહ્યો છે ત્યારે પાણીની લાઈનના ખાડા ખોદાશે તો ફરી એકવાર કામકાજ મુલતવી રહેશે.
યોગેશ સ્થાનિક મહિલા કોર્પોરેટરે જણાવ્યું હતું કે આજે બાર વાગ્યાના સુમારે મીટીંગ હોવા બાબતે જાણ થઈ છે. શક્ય છે કે આ મિટિંગમાં સોમા તળાવ વિસ્તારના પાણીનો પ્રશ્ન જરૂર ચર્ચાશે તેઓ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ સાથે જ્યારે પણ પાણીના પ્રશ્ન બાબતે રજૂઆત કરવા માટે ફોન કરીએ તો અધિકારીઓ ઉદ્ધત વર્તન કરે છે અને યોગ્ય જવાબ પણ આપતા નથી. હવે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા સ્થાનિક રહીશો મહિલાઓ સહિત સૌ કોઈ મક્કમ બન્યા છે.