માંજલપુરની લક્ષ મેનેજમેન્ટ કન્સલટન્સીના સંચાલકે ત્રણ વર્ષની સખત કેદ
ઓગસ્ટ - ૨૦૨૩ માં સમા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હતા
વડોદરા,વિદેશ મોકલવાના નામે અંદાજે ૩૦૦ લોકો સાથે લાખોની છેતરપિંડી કરનાર માંજલપુરની લક્ષ મેનેજમેન્ટ કન્સલટન્સીના સંચાલકો સામે અલગ - અલગ ફરિયાદો નોંધાઇ હતી. જે પૈકી બે ફરિયાદનો કેસ કોર્ટમાં ચાલી જતા મુખ્ય આરોપીને ત્રણ વર્ષની સખત કેદ કરવામાં આવી છે.
ન્યૂ સમારોડની ડિફેન્સ કોલોનીમાં રહેતા અને ટયુશન ક્લાસ ચલાવતા અમિતકુમાર પંડિતે સમા પોલીસને કહ્યું હતું કે,જૂન-૨૦૨૧માં મારે અને મારી કઝીન કાજલ શર્માને કેનેડા જવું હોવાથી માંજલપુરના દીપ ચેમ્બર ખાતે આવેલી લક્ષ મેનેજમેન્ટ કન્સલટન્સીનો સંપર્ક કર્યો હતો.
એજન્સીના ડાયરેક્ટર કૃણાલ દિલીપરાવ નિકમ(રહે. પરમપાર્ક એપાર્ટમેન્ટ,માંજલપુર),આશિષ ગવલી (શંકરવાડી,નવાયાર્ડ) અને વિકાસ તુલસીદાસ પટેલ(રહે. દર્શનમ એન્ટિકા, તરસાલી દંતેશ્વર રોડ)એ અમારી સાથે વારંવાર વાત કરી હતી.મેં યુકે જવાની વાત કરતાં સંચાલકોએ ૧૫લાખનો ખર્ચ થશે તેમ કહી રૃપિયા લઇ વિઝા અપાવ્યા નહતા.
જ્યારે અન્ય એક ફરિયાદ માંજલપુર નિર્માણ પાર્ક સોસાયટીમાં રહેતા શર્મીલાબેન નિલેશકુમાર શર્માએ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારે કેનેડા ખાતે વર્ક પરમિટ પર જવું હોવાથી તા. ૧૮ - ૦૬ - ૨૦૨૧ ના રોજ લક્ષ મેનેજમેન્ટ કન્સલટન્સીની માંજલપુર દીપ ચેમ્બર્સ નજીક સફલ એરાઇઝ ખાતેની ઓફિસે જઇ સંપર્ક કર્યો હતો.તેઓએ ૬૦ દિવસમાં વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને મારી પાસેથી કુલ ૧૭.૨૦ લાખ પડાવી લીધા હતા.
આ બંને કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એમ.કે.દવેએ રજૂઆત કરી હતી કે, આરોપીએ અંદાજે ૩૦૦ લોકો સાથે છેતરપિંડી કરી છે. જેથી, કડક સજા કરવી જોઇએ. બંને પક્ષની રજૂઆતો સાંભળીને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ આર.આર.મિસ્ત્રીએ કૃણાલ નિકમને કસુરવાર ઠેરવીને ત્રણ વર્ષની સખત કેદ કરી છે. તેમજ વિઝા માટે બંને ફરિયાદીએ અલગ અલગી રીતે ચૂકવેલા રૃપિયા એક મહિનામાં ફરિયાદીને આરોપી ચૂકવી આપે તેવો હુકમ કર્યો છે.