ખેડૂતો માટે કેન્દ્રની મહત્વાકાંક્ષી યોજના ખોટકાઇ, પોર્ટલ પર ખામી સર્જાતાં ડિજિટલ ફાર્મર કાર્ડનું રજિસ્ટ્રેશન ઠપ
વડોદરાઃ કેન્દ્ર સરકારની તમામ સરકારી યોજનાઓનો લાભ ઓનલાઇન મળી શકે તે હેતુથી શરૃ કરાયેલા ડિજિટલ ફાર્મર કાર્ડ ની મહત્વકાંક્ષી યોજનાના પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાતાં કામગીરી ઠપ થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે પીએમ કિસાન નિધિ,બીમા યોજના તેમજ ખેડૂતોને લગતી અન્ય યોજનાઓનો લાભ ઓનલાઇન મળી શકે તે માટે આધાર કાર્ડની જેમ ફાર્મર કાર્ડ ની યોજના અમલમાં મૂકી છે.જેનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે અને ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી યુનિક આઇડી મેળવવા માટે આધારકાર્ડ, ૭/૧૨ અને ૮અ, જેવા પુરાવા રજૂ કરવાના હોય છે.
જે પણ ખેડૂત પાસે ડિજિટલ કાર્ડ નહિ હોય તેને કોઇ પણ યોજનાનો લાભ નહિ મળે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.આજે તા.૨૫ નવેમ્બરે રજિસ્ટ્રેશનની મુદત પુરી થવાની હતી.પરંતુ ખેડૂત પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાતાં રજિસ્ટ્રેશન બંધ થઇ ગયું છે.
વડોદરા જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિનભાઈ વસાવા એ કહ્યું છે કે, તા. ૩૦ સુધી ખેડૂતો રજિસ્ટ્રેશન કરી શકશે.પરંતુ આ નિર્ણય હજી અંતિમ નથી.નવી તારીખ બાબતે ટૂંક સમયમાં સૂચના આવતાં જ જાહેરત કરવામાં આવશે.
વડોદરા જિલ્લામાં ડિજિટલ ફાર્મર કાર્ડ માટે એક મહિનામાં ૨૦ ટકા જ રજિસ્ટ્રેશન
પોર્ટલ શરૃ થતાં જ તમામ ગામોમાં ડોર ટુ ડોર ઝુંબેશ કરી રજિસ્ટ્રેશન શરૃ કરાશે
વડોદરા જિલ્લામાં ડિજિટલ ફાર્મર કાર્ડ માટે એક મહિનાના સમયગાળામાં માંડ ૨૦ ટકા ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ખેડૂતોને તમામ યોજનાનો લાભ ઓનલાઇન મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ તમામ ખેડૂતોને યુનિક આઇડી આપવાનું અને ફાર્મર કાર્ડ આપવાનું નક્કી કરાયું છે.
ફરજિયાત રજિસ્ટ્રેશન હોવા છતાં વડોદરા જિલ્લામાં ૨ લાખ જેટલા ખેડૂતોમાંથી માંડ ૪૦ હજાર જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીએ કહ્યું હતું કે,અમારી તમામ ટીમો ડોરટુડોર ફરી રહી છે અને થોડા જ દિવસોમાં રજિસ્ટ્રેશનનું કામ પુરું કરવામાં આવશે.