તમારો ફોન નંબર ગેરકાયદે પ્રવૃત્તિ માટે વપરાયો હોવાથી બે કલાકમાં બંધ થઈ જશે
વડોદરાઃ મરીમાતાના ખાંચામાં દુકાન ધરાવતા એક વેપારીને તાજેતરમાં રેકોર્ડેડ કોલ આવ્યો હતો.જેમાં કહેવાયું હતું કે, આ કોલ ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાંથી છે અને તમારો ફોન નંબર ગેરકાયદે પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાયો હોવાથી આગામી બે કલાકમાં બંધ થઈ જશે.જો ફોન નંબર ચાલું રાખવો હોય તો એક નંબરનુ બટન દબાવો..વેપારી જોકે આ જાળમાં ફસાયા નહોતા.
આ જ રીતે સંગમ ચાર રસ્તા વિસ્તારમાં રહેતા બેન્કના નિવૃત્ત કર્મચારીને એવો ફોન આવ્યો હતો કે, તમારો મોબાઈલ નંબર ડ્રગ્સના સોદા કરવા માટે ઉપયોગમાં લેવાયો છે.આ સાંભળી આ પૂર્વ બેન્ક કર્મચારી ગભરાઈ ગયા હતા.તેમને ડિજિટલ અરેસ્ટ કરીને એટલે કે ફોન પર બેસાડીને નકલી પોલીસ અધિકારીએ ઉલટ તપાસ કરી હતી.છેલ્લી ઘડીએ તેમના પૈસા જતા બચી ગયા હતા.
વાઘોડિયા રોડ પરની સ્કૂલમાં નોકરી કરતા એક શિક્ષિકાને પણ તાજેતરમાં આ જ રીતે ફોન કરીને સાયબર ક્રાઈમ કરતી ટોળકીએ કહ્યું હતું કે, તમારા નામના પાર્સલમાં ડ્રગ્સની હેરફેર થઈ છે...આ શિક્ષિકાની પાસેથી પણ પૈસા પડાવવાનો પ્રયાસ થયો હતો.
શહેરના શિક્ષક અને સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરનું કહેવું છે કે, ઉપરોકત કિસ્સાઓમાં ભોગ બનનાર મને ઓળખતા હતા અને તેમની સાથે ઠગાઈ થતા રહી ગઈ હતી પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં ડિજિટલ અરેસ્ટ કરીને ઠગાઈના ઘણા કિસ્સા બન્યા હોવાની શક્યતા છે.પચાસેક મામલાની તો મારી પાસે જાણકારી છે અને તેમાં કેટલાક મામલામાં લોકોએ પૈસા પણ ગુમાવ્યા છે.જોકે મોટાભાગના લોકોએ પોલીસ ફરિયાદ નથી કરી.
તેમના મતે આવા કિસ્સાઓમાં પોલીસના નામે અને બીજી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના નામે ફોન પર સામે બેસાડીને કલાકો સુધી લોકોને ધમકાવવામાં આવે છે.તેમની પાસેથી બેન્ક એકાઉન્ટની ડિટેલ મેળવવામાં આવે છે.એ પછી નાણાકીય વ્યવહારોની તપાસ કરવાની છે તેવુ કારણ આપીને તેમના પૈસા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવે છે.એક વખત પૈસા ટ્રાન્સફર થઈ ગયા બાદ આ ટોળકી ભોગ બનનાર સાથે વાત કરવાનું બંધ કરી દે છે.આવા કિસ્સા વધી રહ્યા છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવા જરુરી બની ગયા છે.
કયા કયા પ્રકારની ધમકી આપતા કોલ કરાય છે
--તમારો ફોન નંબર ગેરકાયદે કામ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે
--તમારા નામના પાર્સલમાંથી નકલી પાસપોર્ટ નીકળ્યા છે
--તમારા ફોન પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવાઈ રહી છે
--તમારા ફોન નંબર પરથી ડ્રગ્સ મંગાવવામાં આવ્યું છે
--તમારા ઈન્ટરનેટના આઈપી એડ્રેસ પરથી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે
--તમારો પુત્ર ડ્રગ્સ લેતા પકડાયો છે
રેકોર્ડેડ કોલ માટે આઈવીઆર ટેકનિકનો ઉપયોગ
ધમકીના રેકોર્ડેડ કોલ મોકલવા માટે ઠગ ટોળકીઓ ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ ટેકનિકનો ઉપયોગ કરી રહી છે.આ માટેના સોફટવેર ઓનલાઈન ઉપલબ્ધ હોય છે અને સાઈબર ક્રાઈમ કરતી ગેંગ યેન કેન પ્રકારે તે મેળવી લે છે.રેકોર્ડેડ કોલ સિસ્ટમના કારણે આ ટોળકીઓ એક દિવસમાં સેંકડો લોકો સુધી પહોંચી શકે છે.જે વ્યક્તિ ગભરાઈને કોલમાં ઉલ્લેખ કરેલું બટન દબાવે છે તેની સાથે પછી ટોળકીનો માણસ આગળ વાત કરે છે.
ચાર મહિનામાં દેશમાં ડિજિટલ અરેસ્ટના ૪૬૦૦ કેસ નોંધાયા
દેશમાં જાન્યુઆરીથી એપ્રિલના ચાર મહિના દરમિયાન ડિજિટલ એરેસ્ટ સ્કેમના ૪૬૦૦ કેસ નોંધાયા છે અને લોકોએ ૧૨૦ કરોડ રુપિયા તેમાં ગુમાવ્યા છે.આ આંકડા પહેલા ચાર મહિનાના છે.ઉપરાંત જેમણે ફરિયાદ કરી છે તેમણે ગુમાવેલી રકમના છે.નાની રકમ હોય અને ફરિયાદ ના કરી હોય તેવા લોકોની સંખ્યા ઘણી વધારે પણ હોઈ શકે છે.
મોબાઈલ નંબર નાંખતા જ નામ દર્શાવતી એપનો ઉપયોગ
સાયબર ક્રાઈમ એક્સપર્ટનું કહેવું છે કે, સાયબર ક્રાઈમ કરતી ટોળકી ઘણી વખત કોલરનું નામ, ઈ મેઈલ દર્શાવતી મોબાઈલ એપનો ઉપયોગ કરે છે.તેઓ કોઈ પણ એક નંબર તેમાં નાંખે છે.જો તેમને નામ અને ઈ મેઈલ એડ્રેસ મળી જાય તો એ નંબર પર કોલ કરીને તે વ્યક્તિના નામ સાથે જ વાત શરુ કરે છે.જેથી સામાન્ય નાગરિક ગભરાઈ જાય છે અને તેને લાગે છે કે, વાત કરનાર કોઈ લો એન્ફોર્સમેન્ટ એજન્સીમાંથી જ છે.