વડોદરા જિલ્લાના સાવલીમાં એકતરફ કૃષિ મહોત્સવનો પ્રારંભ,બીજીતરફ કેનાલને કારણે ખેતર જળબંબાકાર
વડોદરાઃ વડોદરા જિલ્લામાં ખેડૂતોને માથે પૂરને કારણે ફટકો પડયા બાદ હજી પણ કોઇને કોઇ તકલીફો આવી રહી છે.સાવલી તાલુકાના કમલપુરા ગામે આવી જ રીતે કેનાલને કારણે ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
રાજ્ય સરકારે આજથી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કર્યો છે.જે અંતર્ગત વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ ખેડૂતલક્ષી કાર્યક્રમો કરવામાં આવનાર છે.થોડા સમય પહેલાં જ પૂરને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડયું હતું.જેની સહાય માટે વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી.
આવી જ રીતે અનેક સ્થળોએ વારંવાર કેનાલોમાં લીકેજ થવાથી ખેતરોમાં પાણી ભરાવાના બનાવો બનતા હોય છે.સાવલી તાલુકાના કમલપુરા ગામે આજે આવો જ એક બનાવ બનતાં ખેડૂતોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ,તાજેતરમાં જ માઇનોર કેનાલનું રીપેરિંગ કામ કરવામાં આવ્યું હતું.પરંતુ તેમ છતાં આજે કેનાલ ઉભરાતાં નજીકના ૧૦ વીઘાં જેટલા ખેતરમાં પાણી ભરાયા હતા.આ ઉપરાંત રસ્તા પર પણ પાણી ભરાતાં ખેતી કામ માટે અવરજવર કરતા ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.આ અંગે નર્મદા કેનાલ વિભાગના અધિકારીઓને જાણ કરાતાં તેમણે પ્રાથમિક વિગતો મેળવી હતી.