વસતી 25 લાખને પાર છતાં એક જ RTO કચેરીના કારણે અરજદારોને મુશ્કેલી

RTO કચેરી વડોદરાથી ૨૦ કિ.મી. દૂર હોવાના કારણે પણ લોકો હેરાન થઇ રહ્યા છે, પશ્ચિમ વિસ્તારમાં આરટીઓ કચેરી શરૃ કરવાની માગ

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
વસતી 25 લાખને પાર છતાં એક જ RTO કચેરીના કારણે અરજદારોને મુશ્કેલી 1 - image


વડોદરા : વડોદરાનો વિકાસ અને વસતીનો વધારો થઇ રહ્યો છે તેની સરખામણીમાં સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો અને સુધારો નથી થઇ રહ્યો જેના કારણે સમસ્યાઓ વધી રહી છે. વડોદરામાં છેલ્લા ઘણા વર્ષોથી બીજા આરટીઓ કચેરીની માગ થઇ રહી છે પરંતુ આ માગ ઉપર સત્તાધિશો દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યુ નહી હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

વડોદરા RTOએ 72 વર્ષમાં સરકારને 2892 કરોડની કમાણી કરી આપી

વડોદરા શહેરની વસતીનો આંકડો બિનસત્તાવાર રીતે હવે ૨૫ લાખને પાર કરી ગયો છે. વસતીની સાથે વાહનોની માગ અને વાહનોની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા ૭૨ વર્ષમાં ૧૭ લાખ કરતા વધુ વાહનો રજિસ્ટર્ડ થયા છે તેની સામે વડોદરા આરટીઓએ આ ૭૨ વર્ષના જ સમયગાળામાં સરકારને ૨૮૯૨ કરોડની રેવન્યુ કમાણી કરીને આપી છે. વડોદરામાં દર વર્ષે ૧.૧૦ લાખ નવા વાહનો નોંધાઇ રહ્યા છે. સ્વાભાવિક છે કે વાહનોની સંખ્યા વધવાની સાથે આરટીઓની કામગીરી પણ વધવાની. વાહન રજિસ્ટ્રેશનથી લઇને વિવિધ કામગીરી માટે લોકોએ આરટીઓ જવુ પડે છે. પરંતુ વડોદરામાં માત્ર એક જ આરટીઓ કચેરી હોવાના કારણે ત્યાં ભારણ વધી રહ્યું છે. 

અગાઉ વડોદરામાં વારસીયા વિસ્તારમાં આરટીઓ કચેરી કાર્યરત હતી ત્યાંથી હટાવીને હવે વડોદરાની બહાર, હાઇવેને પેલે પાર દરજીપુરા ગામમાં આરટીઓ કચેરી બનાવવામા આવી છે જે વડોદરાથી ૨૦ કિ.મી. દૂર થાય છે એટલે અરજદારોએ નાના કામ માટે પણ આવવા-જાવાના મળીને ૪૦ કિ.મી.નો ફેરો પડે છે. તેમાં પણ જો કામ ના થાય તો ફરીથી ધક્કો થાય છે. સરકાર આરટીઓની કામગીરી ઓનલાઇન કરી રહી છે પરંતુ તેમા પણ ખામી હોવાના કારણે લોકોએ એજન્ટોના શરણે જ જવુ પડે છે અને આરટીઓ કચેરીના ધક્કા ખાવા પડે છે. આ સમસ્યાથી બચવા માટે લોકો પશ્ચિમ વિસ્તારમાં આરટીઓ કચેરીની માગ કરી રહ્યા છે.


Google NewsGoogle News