૧૫ હંગામી અધ્યાપકો ઓછા હોવાથી કોમર્સ ફેકલ્ટીમાં લેકચર લેવામાં મુશ્કેલી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બિઝનેસ ઈકોનોમિક્સ અને મેનેજમેન્ટ વિભાગોમાં ગત વર્ષ કરતા ૧૫ જેટલા હંગામી અધ્યાપકોની ઓછી નિમણૂકના કારણે લેકચર લેવામાં મુશ્કેલી પડી રહી છે.
પહેલા પણ યુનિવર્સિટી સત્તાધીશોએ હંગામી અધ્યાપકોને ઓર્ડર આપવામાં વિલંબ કર્યો હતો.એ પછી જેટલા અધ્યાપકોને ઓર્ડર અપાયા છે તે પૂરતા નથી તેવું ફેકલ્ટીના સૂત્રોનું કહેવું છે.
જેમ કે બિઝનેસ ઈકોનોમિક્સ વિભાગમાં ગત વર્ષે ૨૮ હંગામી અધ્યાપકોની નિમણૂક કરાઈ હતી અને આ વખતે માત્ર ૧૮ અધ્યાપકોને ઓર્ડર આપવામાં આવ્યા છે.એટલુ જ નહીં પણ યુનિવર્સિટી સામે આરટીઆઈ કરીને જાણકારી માગનારા એક હંગામી અધ્યાપકની સત્તાધીશોએ કિન્નાખોરી રાખીને બાદબાકી કરી નાંખી છે.આ મુદ્દો અધ્યાપક આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બીજી તરફ મેનેજમેન્ટ વિભાગમાં એફવાયમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે આઠ જેટલા હંગામી અધ્યાપક હોવા જોઈએ, તેની જગ્યાએ ચાર જ અધ્યાપકોને ઓર્ડર આપવામાં આવ્યા છે.યુનિવર્સિટી સત્તાધીશોની આ પ્રકારની આડોડાઈના કારણે હવે લેકચર લેવામાં મુશ્કેલી પડી રહી છે.વિદ્યાર્થીઓના લગભગ ૧૦ થી ૧૫ ડિવિઝન તેના કારણે પ્રભાવિત થયા છે.
અધ્યાપકોને એક જ ક્લાસમાં બે ડિવિઝનના વિદ્યાર્થીઓને બેસાડીને લેકચર લેવાનો વારો આવ્યો છે.કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી એટલે બે ડિવિઝન ભેગા કરવાનું શક્ય બની રહ્યું છે.બાકી તો અધ્યાપકોના અભાવે વિદ્યાર્થીઓના વર્ગો લેવાનું શક્ય પણ ના બનત.