Get The App

ગુજરાતમાં દારૃ ઘુસાડવા દારૃ માફિયાઓની નવી એમઓ દારૃની એક ગાડી માટે દરેક ટોલનાકા પર અલગ અલગ ફાસ્ટેગનો ઉપયોગ

દારૃ ભરેલું વાહન પોલીસ ફાસ્ટેગથી ટ્રેસ ના કરી શકે તે માટે બૂટલેગરોની નવી તરકીબ

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં દારૃ ઘુસાડવા દારૃ માફિયાઓની નવી એમઓ  દારૃની એક ગાડી માટે દરેક ટોલનાકા પર અલગ અલગ ફાસ્ટેગનો ઉપયોગ 1 - image

વડોદરા,તા.30 હરિયાણા, રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૃનો જથ્થો ઠાલવવા માટે પોલીસની નજરથી બચવા માટે દારૃ માફિયાઓ દ્વારા નવી ટેકનિક અપનાવવામાં આવી છે. પોલીસ દારૃ ભરેલું વાહન ટ્રેક ના કરી શકે તે માટે હવે એક જ વાહનમાં દરેક ટોલનાકા પર અલગ અલગ ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં આવે છે.

બે દિવસ પહેલાં રાજસ્થાન પાસિંગનું એક એલપીજી ટેન્કર જરોદ હાઇવે પર કીચુ ચોકડી પાસેથી જિલ્લા પોલીસે ઝડપી પાડી ડ્રાઇવર જોગારામ કાલુરામ જાટ (રહે.સીણધરી, જિલ્લો બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી ટેન્કરની અંદરથી રૃા.૭૬.૧૩ લાખ કિંમતની વિવિધ બ્રાંડની દારૃની પેટીઓ મળી હતી. પોલીસે દારૃનો જથ્થો, મોબાઇલ તેમજ ટેન્કર મળી કુલ રૃા.૯૧.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો  હતો.

પોલીસે દારૃનો જથ્થો તેમજ ટેન્કર કબજે કર્યુ તે સમયે ટેન્કરની કેબિનમાંથી ૨૯ ફાસ્ટેગ મળી હતી. આટલી મોટી સંખ્યામાં મળેલી ફાસ્ટેગથી પોલીસ પણ ચોંકી ગઇ  હતી. આ ફાસ્ટેગ મોટી સંખ્યામાં કેમ રાખવામાં આવી તેની ઊંડી તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. દારૃ માફિયાઓ દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરવા માટે નવી ટેકનિક અપનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બાતમીદાર દ્વારા દારૃ ભરેલા વાહનનો નંબર પોલીસને આપવામાં આવે છે જેથી તે નંબરના વાહન પર લેવાયેલી ફાસ્ટેગ પોલીસ દ્વારા ટ્રેસ કરવામાં આવતી હોય છે પરંતુ વાહન એક જ જ્યારે દરેક ટોલનાકા પર અલગ અલગ ફાસ્ટેગનો ઉપયોગ પોલીસને પણ ગોળગોળ ફેરવી દે છે.

પોલીસને જાણવા મળ્યું હતું કે દરેક ટોલનાકા પરથી ટેન્કરને પાસ કરવા માટે અલગ અલગ ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં આવતો હતો અને પોલીસની આંખમાં ધૂળ નાંખવામાં આવી હતી. એક જ વાહનમાં અલગ અલગ ફાસ્ટેગનો ઉપયોગ કરી છેક હરિયાણાથી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાની નવી એમઓ પ્રથમ વખત પોલીસની જાણમાં આવી છે. પોલીસે કબજે કરેલી ૨૯ ફાસ્ટેગોનો હવે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

ચાર રાજ્યોમાંથી નીકળી દારૃનું ટેન્કર ગુજરાતમાં આવ્યું

હરિયાણાના દારૃ માફિયાએ હાઇવે પર જ ચાવી અંદર રાખેલ એલપીજી ટેન્કર ડ્રાઇવરના હવાલે કરી હતી અને જરૃરી સુચનાઓ આપી હતી. જે મુજબ ડ્રાઇવર હરિયાણાથી ટેન્કર લઇને ચાર રાજ્યો ખૂંદીને ગુજરાતની હદમાં પ્રવેશ્યો હતો. તેણે પોલીસને કહ્યું હતું કે ટેન્કર લઇને હું ભીવાની, દિલ્હી, લખનૌ, આગ્રા, ઝાંસી, ગ્વાલિયર, ઇન્દોર, જાંબુઆ, દાહોદ, ગોધરા અને હાલોલ થઇને આવ્યો હતો.

જરોદ પોલીસને નાની ગાડી પણ મળતી નથી અને ક્રાઇમ બ્રાંચ મોટા વાહનો ઝડપે છે

હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે દારૃની હેરાફેરી માટે સ્વર્ગસમાન છે. જરોદ પોલીસના સ્ટાફથી દારૃ ભરેલી ગાડીઓ ઝડપાતી નથી અને જિલ્લા ક્રાઇમ બ્રાંચને મોટી મોટી ગાડીઓ દારૃ ભરેલી મળે છે. જરોદ પોલીસને અંધારામાં રાખીને બ્રાંચ દ્વારા કામગીરી થતા જરોદ પોલીસની કામગીરી પર પણ શંકાઓ ઉપસ્થિત થઇ છે. ખરેખર હરિયાણા અથવા મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનથી આવતા દારૃના નેટવર્કને તોડવાના બદલે કેરિયરોને પ્રોત્સાહન મળતું હોય તેમ લાગે છે.


Google NewsGoogle News