ઢાઢર નદીના પાણી ફરી વળતા ૩૧૯ લોકોનું સ્થળાંતર કરાયું
પોરમાં સૌથી વધુ ૨૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા ઃ વીરપુર, કેલનપુર અને ચાપડમાંથી પણ સ્થળાંતર
વડોદરા, તા.16 ઓગસ્ટ, રવિવાર
વડોદરા શહેર તેમજ જિલ્લામાં સતત વરસાદના કારણે નદી, તળાવો અને સરોવરોમાં પણ પાણીની નવી આવક થઇ છે. ઢાઢર નદીમાં પાણીના જળસ્તર સતત વધતા ૩૧૯ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
દેવ નદીમાંથી પાણી છોડાતા ઢાઢર નદીના પાણીના સ્તરમાં વધારો થયો હતો આ સાથે જ અવિરત વરસાદના કારણે પણ ઢાઢર નદીની સપાટી સતત વધી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઢાઢર નદીની ભયજનક સપાટી ૧૦.૫ મીટર છે અને આજે સાંજે છ વાગે આ સપાટી ૬.૨૦ મીટરે પહોંચી છે. સપાટી વધવાની સાથે જ વડોદરા જિલ્લાના વાઘોડિયા, ડભોઇ, વડોદરા અને પાદરા તાલુકાના નદી કાંઠાના ગામોને સાવધ કરાયા હતાં.
જો કે ઢાઢર નદીના પાણી ગામોના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે જેના કારણે પોર ગામે ૨૦૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું આ ઉપરાંત કેલનપુરમાં ૧૯, ચાપડ ગામે ૪૪ અને પાદરા તાલુકાના વીરપુર ગામેથી ૫૬ લોકોને ખસેડાયા હતાં.