શ્રાવણનો પ્રારંભ થતા વડોદરાના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી
શિવકથા, લઘુરૃદ્ર, મહારૃદ્ર, શિવ મહાપૂજા અને પાર્થિવ શિવલિંગ પૂજન જેવા અનુષ્ઠાનોના આયોજન
વડોદરા : આરંભ અને અંત નથી એવા આદી અનંત પરમેશ્વર દેવોના દેવ મહાદેવની ભક્તિનો વિશેષ મહિનો એટલે શ્રાવણ. પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. વડોદરાના પ્રાચીન અને અર્વાચીન શિવ મંદિરોમાં શિવજીના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી.
શિવ ભક્તોએ ગુરૃવારે અમાસથી જ ઉપવાસનો પ્રારંભ કરી દીધો હતો. આજે શ્રાવણના પ્રથમ દિવસે શહેરના વિવિધ શિવ મંદિરોમાં જલાભિષેક, દુગ્ધાભિષેક કરવા તથા લઘુ રૃદ્ર જેવા અનુષ્ઠાન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. વિતેલા બે વર્ષ દરમિયાન તો કોરોનાનો કહેર હતો એટલે મંદિરોમાં બે વર્ષથી શ્રાવણ માસના કાર્યક્રમો યોજાયા નહતા એટલે આ વખતે ભક્તો અને આયોજકો દ્વારા શ્રાવણ મહિનો ધામધૂમથી ઉજવવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરો તથા આશ્રમોમાં શિવકથા, લઘુરૃદ્ર, મહારૃદ્ર, શિવ મહાપુજા અને પાર્થિવ શિવલિંગ પૂજન જેવા અનુષ્ઠાનોના આયોજન થયા છે.
ઉલ્લેખનીય છે કે ઇતિહાસમાં વડોદરા અને તેની આસપાસના વિસ્તારને છોટા કાશી તરીકેની ઓળખ મળેલી છે. વડોદરામાં આવેલા નવનાથ તરીકે ઓળખાતા નાથ પરંપરાના પ્રાચિન ૯ મંદિરો ઉપરાંત પણ અન્ય પ્રાચીન મંદિરો છે તો અર્વાચીન મંદિરોમાં ઇએમઇ ટેમ્પલ જેમાં દક્ષિણામૂર્તિ શિવજી બિરાજમાન છે. કીર્તિ મંદિર પરિસરમાં આવેલા બે શિવ મંદિરો ઉપરાંત વડોદરા નજીક આવેલા કાયાવરોહણ અને ડભોઇના શિવ મંદિરો ઉપરાંત નર્મદા કિનારા પર આવેલા ચાણોદ, શિનોર અને કરનાળીના શિવ મંદિરોનો ઉલ્લેખ પુરાણોમા પણ જોવા મળે છે.
નવમી કાવડયાત્રા માટે તૈયારીઓનો પ્રારંભ કાવડિયાઓ નવનાથ મંદિરોમાં શિવલિંગ પર પવિત્ર નદીઓના જળથી અભિષેક કરશે
શહેરમાં છેલ્લા ૮ વર્ષથી યોજાતી કાવડયાત્રાની પરંપરા હવે નવમા વર્ષમાં પ્રવેશી છે અને આ વર્ષે પણ શ્રાવણના છેલ્લા સોમવારે તા.૨૨ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ કાવડયાત્રા યોજાશે.
કાવડયાત્રામાં જોડાવા માગતા કાવડિયાઓના નિઃશૂલ્ક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૃ કરી દેવાઇ છે. એક અંદાજ મુજબ આ વખતે ૧૦,૦૦૦થી વધુ કાવડિયાઓ આ યાત્રામાં જોડાશે. કાવડયાત્રામાં કાવડિયાઓ વડોદરા આસપાસ આવેલી પવિત્ર નદીઓમાંથી જળ લાવશે અને વડોદરામાં આવેલા નાથ પરંપરાના નવ મંદિરો સિધ્ધનાથ, રામનાથ, ઠેકરનાથ, મોટનાથ, કામનાથ, ભીમનાથ, કાશિવિશ્વેશ્વર, કોટનાથ અને જાગનાથ મંદિરોમાં શિવલિંગ પર આ પવિત્ર જળથી જળાભિષેક કરશે. આ ઉપરાંત શ્રાવણના દરેક સોમવારે મહાપુજા, રૃદ્રાભિષેક, સત્યાનારાયણ પૂજા અને ભંડારો જેવા કાર્યક્રમો પણ કાવડયાત્રા સમિતિ દ્વારા યોજવામાં આવ્યા છે.
સવા લાખ પાર્થેશ્વર શિવપૂજન અને સવા કરોડ મંત્ર મહાપૂજા
વડોદરા નજીક શેરખી ગામે આવેલ શ્રી બહ્મર્ષિ સંસ્કાર તીર્થ-ગાયત્રી આશ્રમ ખાતે સવા કરોડ ઓમ નમઃ શિવાય જપ મહાઅનુષ્ઠાન યોજાયુ છે. તો શ્રાવણ માસ દરમિયાન અહી શિવ પાર્થેશ્વર પૂજન પણ યોજાશે અને અનેક દ્રવ્યોથી અભિષેક, લઘુરૃદ્ર, મહારૃદ્ર પણ થશે. શ્રાવણના છેલ્લા દિવસે તા.૨૭ ઓગસ્ટના રોજ સવા લાખ પાર્થેશ્વર શિવ લિંગ બનાવીને રાજોપચ્ચાર પૂજનનુ પણ આયોજન કરાયુ છે. કોઇ પણ શિવ ભક્ત દર્શન અથવા તો પુજનનો નિઃશૂલ્ક લાભ લઇ શકે છે