માત્ર ૧૫ ભક્તો સાથે ટેમ્પોમાં બેસીને વિઠ્ઠલનાથજી નગરચર્યાએ નીકળ્યા
કોવિડ ગાઇડ લાઇનના કારણે વરઘોડાનું અઢી કલાક વહેલું સમાપન થયું, રણછોડજીનો વરઘોડો પણ મર્યાદિત ભક્તો સાથે નીકળ્યો
| ||
વડોદરા : પ્રબોધની એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નિકળ્યો હતો. જો કે સરકારી પ્રતિબંધોના કારણે માત્ર ૧૫ ભક્તોની સાથે ટેમ્પોમાં બિરાજમાન થઇને ભગવાન નગરચર્યાએ નિકળ્યા હતા. સવારે ૯.૩૦ કલાકે વરઘોડાનો પ્રારંભ થયો હતો અને સાંજે ૩.૩૦ કલાકે નિજ મંદિરમા ંપરત ફર્યો હતો. રાત્રે ભગવાનના તુલસીજી સાથે વિવાહ વિધિ યોજાયા હતો.
આજે સવારે ૯ વાગ્યે વિઠ્ઠલનાથજી મંદિરમાં ભગવાનને ચાંદીની પાલખીમાં બિરાજમાન કરાયા હતા. આ સમયે પરંપરા અનુસાર રાજવી પરિવારના મહારાણી શુભાંગિનીદેવી ગાયકવાડે ભગવાનને પોંખ્યા હતા અને પુજા વિધિ કરી હતી અને આરતી બાદ ઢોલ,નગારા અને શહનાઇ વાદન સાથે પાલખીને ટેમ્પોમાં મુકવામાં આવી હતી અને ૧૫ જેટલા સિમિત ભક્તો સાથે વરઘોડાનો પ્રારંભ થયો હતો. મંદિરથી નીકળીને વરઘોડો માંડવી, લહેરીપુરા, જ્યુબિલીબાગ સામે બાલાજી મંદિર પહોંચ્યો હતો જ્યાં પુજા આરતી બાદ ટાવર, કોઠી થઇને બહુચરાજી રોડ પર આવેલા ગહન ગહિનેશ્વર મહાદેવ પહોંચ્યો હતો.અહી વિઠ્ઠલનાથજીની મહાદેવ સાથે ભેંટ થઇ હતી. હરી અને હરની ભેંટ બાદ ૧.૧૫ વાગ્યે વરઘોડો પરત આવવા નીકળ્યો હતો અને નાગરવાડા, ટાવર ચાર રસ્તા થઇને સાંજે ૩.૩૦ વાગ્યે પ્રભુએ નીજ મંદિરમાં પધરામણી કરી હતી.
જે માર્ગ પરથી વરઘોડો પસાર થયો તે માર્ગની બિલ્ડિંગો પરથી ભગવાન પર પુષ્પ વર્ષા થઇ રહી હતી. રસ્તા પરથી પસાર થતાં ભક્તોએ પણ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કર્યુ હતુ અને વરઘોડાથી દૂર રહીને પ્રભુના દર્શન કર્યા હતા. સામાન્ય રીતે વરઘોડા મોડી સાંજે ૬ વાગ્યાના અરસામાં નિજ મંદિરમાં પરત ફરતો હોય છે પરંતુ પ્રભુ ટેમ્પોમા બિરાજમાન હોવાથી વરઘોડો અઢી કલાક વહેલો મંદિરમાં પરત ફર્યો હતો
રણછોડજીના વરઘોડામાં ડી.જે.ના મુદ્દે પોલીસ સાથે ઘર્ષણ
વડોદરામાં આજે સવારે વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો હતો તો સાંજે ૩.૩૦ વાગ્યાના અરસામા મદનઝાંપા રોડ પર આવેલા રણછોડજી મંદિરમાંથી વરઘોડાનો પ્રસ્થાન થયુ હતું. છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ કોવિડ ગાઇડ લાઇન મુજબ વરઘોડા પર પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા તેમ છતાં ભક્તોએ વરઘોડો ડી.જે. સાથે કાઢ્યો હતો.
વરઘોડા મદનઝાંપા રોડથી નીકળીને પથ્થરગેટ પાસે પહોંચ્યો ત્યારે પોલીસની એન્ટ્રી થઇ હતી અને ડી.જે.વાગતુ હોવાથી તે બંધ કરવા માટે પોલીસે સૂચના આપી હતી. જેના પગલે ભક્તો ગુસ્સે ભરાયા હતા અને પોલીસ સાથે બોલાચાલી થઇ હતી. ભક્તોએ પોલીસને સવાલો કર્યા હતા કે રાજકીય-સામાજિક સમારંભોમાં બધી છૂટ આપો છો ત્યાં કોઇ પ્રતિબંધ લાગુ કરાતા નથી તો પછી ભગવાનના ધાર્મિક કાર્યોમા ંજ કેમ પ્રતિબંધ લાગુ કરવામાં આવે છે. ઘર્ષણ વધતા રાજકીય આગેવાનો દોડી આવ્યા હતા અને દરમિયાનગીરી કરીને ભક્તોને શાંત કર્યા હતા જે બાદ વરઘોડાએ પ્રસ્થાન કર્યુ હતુ અને નાની તંબોળીવાડ ખાતે પહોંચ્યો હતો જ્યાં તુલસીવિવાહ યોજાયા હતા
આજે રામજી મંદિરથી અને તા.૧૯મીએ નરસિંહજીનો વરઘોડો નીકળશે
વડોદરામાં દેવદિવાળી નિમિત્તે નિકળતા વરઘોડાની પરંપરામાં મંગળવારે દલા પટેલની પોળમાં આવેલા રામજી મંદિરમાંથી સાંજે ૫.૩૦ વાગ્યે વરઘોડો નીકળીને પ્રતાપ મડઘાની પોડમાં પહોંચશે જ્યાં તુલસી વિવાહ યોજાશે. વરઘોડા પૂર્વે સવારે ૯ થી બપોરના ૩ વાગ્યા દરમિયાન ચાંલ્લા વિધિ યોજાશે.
બીજી તરફ તા.૧૯મીએ નરસિંહજીની પોળમાં આવેલા ભગવાન નરસિંહજીના મંદિરથી વરઘોડો નીકળશે.પરંપરા અનુસાર આ વરઘોડો તુલસીવાડી પહોંચે છે. તુસલીવાડી ખાતે વરઘોડાને આવકારવા માટે તૈયારી શરૃ કરી દેવામાં આવી છે.