પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ પૂર્વે જ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તાઓની અટકાયત : કેટલાક આગેવાનો નજર કેદ

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ પૂર્વે જ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તાઓની અટકાયત : કેટલાક આગેવાનો નજર કેદ 1 - image

વડોદરા,તા.27 સપ્ટેમ્બર 2023,બુધવાર

વડાપ્રધાન મોદી કર્મભૂમિ વડોદરામાં આજે આવી રહ્યા છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના શહેર પ્રમુખ સહિત 10 થી 12 કોંગી અગ્રણીઓને શહેર પોલીસે ડીટેઇન કર્યા છે જેમાં કેટલાકને ઘેર પોલીસ બેસાડીને તેમને ઘર બહાર નીકળવાની મનાઈ ફરમાવી દેવાઇ છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં નારી શક્તિ વંદના બિલના પસાર કરાયા બાદ સૌપ્રથમવાર તેમની કર્મભૂમિ વડોદરા ખાતે આવી રહ્યા છે ત્યારે નવલખી મેદાનમાં જંગી જાહેર સભા સંબોધવાની તૈયારીઓ મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે 

જ્યારે બીજી બાજુ શહેર પોલીસ કમિશનર અશોકસિંહ ગેહલોટે શહેરમાં હાલની એરપોર્ટથી સયાજીનગર ગૃહ અને રાજમહેલ રોડ થી અકોટા બ્રિજ સહિત નવલખી સુધીના રૂટ પર ઠેર ઠેર જંગી પોલીસ કાફલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ટાણે ગોઠવી દીધો છે સતત 18 કલાકના સળંગ બંદોબસ્તમાં શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરથી માંડીને 7000 થી વધુ પોલીસકર્મીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં ખડકાયા છે.

જ્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઈ કાળા વાવટા કે પછી અન્ય કોઈ જાતનું વિરોધ પ્રદર્શન કરે નહીં કે પછી કોઈ કોંગી નેતાઓ સહિત અગ્રણી કાર્યકરો કોઈપણ જાતનો વિરોધી કાર્યક્રમ ન આપે એવા હેતુથી અનેક કોંગી અગ્રણી નેતાઓને ડીટેઇન કરી લેવાયા છે કે પછી તેમના ઘરેથી કોંગી નેતાઓને બહાર નીકળવા પર મનાઈ ફરમાવી ઘર બહાર પોલીસ ગોઠવી દેવાઇ છે.

વડાપ્રધાનના આગમનની પૂર્વ સંધ્યાએ  ગઈ રાતથી મિતેશ સહિત કેટલાક કાર્યકરને ડીટેઇન કરી લેવા આવ્યા છે. અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને તેમના નિવાસસ્થાને થી પોલીસે અટકાયત કરી છે. હરી ઓડ,પવન ગુપ્તા,સ્વેજળ વ્યાસ ની પણ અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત પૂર્વ કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત, અમી રાવતને ઘર બહાર નહીં નીકળવા દેવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અન્ય કેટલાક કોંગી અગ્રણીઓના ઘર બહાર પોલીસ પહેરો ગોઠવી દઈ નજર કેદ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીની સભા રંગે ચંગે પૂર્ણ થયા બાદ આ તમામ કોંગ્રેસી અગ્રણીઓ સહિત નેતાઓ અને ડીટેઈન કરાયેલા કાર્યકરોને અને કથિત નજરકેદ કરાયેલા તમામ કોંગી અગ્રણીઓને સમી સાંજે મુક્ત કરી દેવાશે.


Google NewsGoogle News