બૂટલેગર સહિત ત્રણ માથાભારે આરોપીઓની પાસા હેઠળ અટકાયત
બૂટલેગર સામે છ વર્ષમાં ૨૭ કેસ : ગોડાઉનમાંથી ૩૧.૦૬ લાખનો દારૃ મળી આવ્યો હતો
વડોદરા,વિદેશી દારૃનો ધંધો કરતા બૂટલેગર તથા મારામારી કરનાર બે માથાભારે સહિત ત્રણ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી મહેસાણા અને ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
ઉંડેરા ગામ જલારામ નગરમાં રહેતા કિશનગીરી સુનિલગીરી ગોસ્વામી સામે ગોરવા અને જવાહર નગર પોલીસ સ્ટેશનમાં મારામારીના બે ગુનાઓ નોંધાયા હતા. પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી મહેસાણા જેલમાં મોકલી આપ્યો છે.
એ.પી.એમ.સી. ફ્રૂટ માર્કેટમાં ગોડાઉન રાખી વિદેશી દારૃનો જથ્થો સંગ્રહ કરવાના કેસમાં પોલીસે ૩૧.૦૬ લાખનો દારૃ કબજે કર્યો હતો. આ કેસમાં સ્થળ પરથી પ્રશાંત જાદવ તથા હિમાંશુ ચંદાણી ઝડપાઇ ગયા હતા. આ ઉપરાંત ગત તા.૨૪ - ૦૩ - ૨૦૨૪ ના રોજ પોલીસે કારમાં વિદેશી દારૃ લઇને જતા આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસે ૧.૧૨ લાખનો દારૃ કબજે કર્યો હતો. આ કેસમાં પકડાયેલા બૂટલેગર પ્રશાંત રાજુભાઇ જાવદ ( રહે. માધવ નગર, આજવા રોડ) ની પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. પ્રશાંત જાદવ સામે કુલ ૨૭ ગુનાઓ નોંધાયા છે.
જ્યારે ત્રીજા કેસમાં હરણીમાં નોંધાયેલા મારામારીના કેસમાં સામેલ આરોપી કિરપાલસીંગ ગુરૃમુખસીંગ સિકલીગર ( રહે. એકતા નગર, આજવા રોડ) ની પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.