બળાત્કાર અને છેડતીના ગુનામાં સામેલ આરોપીની પાસામાં અટકાયત
ગયા વર્ષે આ પ્રકારના જાતીય સતામણીના ગુનામાં પાંચ આરોપીઓને પાસા થઇ હતી
વડોદરા,બળાત્કાર અને છેડતીના ગુનામાં સંડોવાયેલો આરોપી જામીન પર મુક્ત થતા પીસીબી પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, બળાત્કાર અને છેડતીના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા થઇ હોવાનો આ વર્ષનો પ્રથમ કિસ્સો છે.
એક મહિલાને બેન્કમાં જવાનું હોવાથે તે રિક્ષામાં બેઠી હતી. આ મહિલાની એકલતાનો લાભ લઇને આરોપી રિક્ષા માલિક તેને સયાજીગંજ વિસ્તારની એક હોટલમાં લઇ ગયો હતો. જ્યાં તેણે મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જે અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જ્યારે અન્ય એક કિસ્સામાં એક મહિલા સાથે બોલાચાલી ઝઘડો કરી વાળ ખેંચી માર મારવામાં આવ્યો હતો. જે અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં છેડતી અને મારામારીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પકડાયેલો આરોપી હાર્દિક સુભાષભાઇ ત્રિવેદી ( રહે. દાદુ નગર, સ્વામિ નારાયણ મંદિર પાસે, તરસાલી)ની ધરપકડ થઇ હતી. ત્યારબાદ તે જામીન પર મુક્ત થયો હતો. સમાજ વિરોધી ગુનો કરનાર હાર્દિક ત્રિવેદીની પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા કરવામાં આવતા પીસીબી પોલીસે હાર્દિક ત્રિવેદીની અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપ્યો છે.