દારૃનો ધંધો કરતા ચાર આરોપીઓની એક જ દિવસમાં પાસા હેઠળ અટકાયત

શહેરમાં લાખોનો દારૃ ઠાલવતા આરોપીઓ સામે પોલીસનો સકંજો

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
દારૃનો ધંધો કરતા ચાર આરોપીઓની એક જ દિવસમાં પાસા હેઠળ અટકાયત 1 - image

વડોદરા,શહેરમાં વિદેશી દારૃનો ધંધો કરતા ચાર આરોપીઓની પીસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર અને રાજકોટ જેલમાં મોકલી આપ્યા છે. એક જ દિવસમાં પોલીસે ચાર આરોપીઓને પાસામાં ધકેલી  દેતા દારૃનો ધંધો કરતા આરોપીઓમાં ખળભળાટ મચી ગયો છે.

લુધિયાણાથી વિદેશી દારૃ ટ્રેલરમાં ભરી લાવનાર આરોપી લવજીતસીંગ ગુરમેજસીંગ ઢીંલ્લો ( સરદાર) (રહે.ગામ મુજકલા, જિ.પીલીભીત, યુ.પી.) પોલીસના હાથે ઝડપાઇ  ગયો હતો.  પોલીસે આરોપી પાસેથી દારૃની ૨૭,૫૦૪ બોટલ, બિયરના ૭,૦૫૬ ટીન મળી કુલ  રૃપિયા ૮૭.૧૬ લાખનો દારૃ કબજે કર્યો હતો. દારૃની હેરાફેરી માટે તેણે બોગસ બિલ્ટીઓ બનાવી હતી. પીસીબી પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે.

બીજા  બનાવમાં પોલીસે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૃની ૧,૧૭૯ બોટલ કિંમત રૃપિયા ૧.૯૫ લાખની કબજે કરી હતી. જે ગુનામાં આરોપી રિયાઝ ગુલામરસુલ શેખ ( રહે. બારે ઇમામની ચાલી, કમાટીપુરા, ફતેગંજ) પકડાયો હતો. તેની સામે અન્ય એક ગુનો  અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં  પોલીસે દારૃ અને બિયર મળી કુલ રૃપિયા ૩૬,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રિયાઝની પાસા હેઠળ અટકાયત કરી  પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. રિયાઝ સામે દારૃ અને જુગારના સાત કેસ નોંધાયા છે.

ત્રીજા બનાવમાં કિશનવાડીમાંથી ઝડપાયેલા ૨૬.૦૬ લાખના દારૃના કેસમાં પોલીસે નિલેશ ઉર્ફે નિલુ  હરેશભાઇ નાથાણી ( રહે. સર્જનમ રેસિકોમ, ખોડિયાર નગર, ન્યૂ વી.આઇ.પી.રોડ) પકડાયો હતો. માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાંથી એક વર્ષ પહેલા પકડાયેલા દારૃના ગોડાઉનના કેસમાં પણ તેની ધરપકડ થઇ હતી. પોલીસે ૬૦ લાખનો દારૃ કબજે કર્યો હતો. એપીએમસી માર્કેટ પાસેથી  પણ પોલીસે  દારૃનું ગોડાઉન ઝડપી પાડયું હતું.  પોલીસે કુલ ૩૧.૦૬ લાખનો દારૃ કબજે કર્યો હતો. નિલુની  પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. તેની સામે કુલ  ૨૯ ગુનાઓ દાખલ થયા છે.

ચોથા બનાવમાં  માંજલપુર પોલીસ સ્ટેશનની  હદમાંથી પોલીસે ૨.૪૦ લાખનો  દારૃ કબજે કર્યો હતો. તે ગુનામાં સંડોવાયેલા આરોપી યશ રાજેશકુમાર મિસ્ત્રી ( રહે. વાડી પ્રેમાનંદ કવિની પોળ)ની ધરપકડ કરી હતી. તાજેતરમાં જ પોલીસે દારૃની ૨૯ બોટલ તથા બિયરના ૪૯ ટીન કબજે કર્યા હતા. તે ગુનામાં પણ યશ મિસ્ત્રીની ધરપકડ થઇ હતી. તેની પાસા હેઠળ અટકાયત કરી  રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.


ચોરીના ગુનામાં સામેલ આરોપીની પાસા હેઠળ અટકાયત

વડોદરા,અકોટા ગાય સર્કલ પાસેથી મોપેડની ચોરી થઇ હતી. જે અંગે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પોલીસે આરોપી નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાકઆલમ ( રહે. પ્રકાશ માત્રે ચાલી, નવી મુંબઇ, જી. રાયગઢ, મૂળ  રહે. બિહાર) ને પોલીસે ઝડપી પાડયો હતો. જે.પી.રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રમુખ સ્વામી નગરમાં થયેલી ૫૧ હજારની ચોરી તથા વાડી વિસ્તારમાંથી બાઇકની ચોરીમાં પણ તેની ધરપકડ થઇ હતી. તેને પાસામાં પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો છે.નૌશાદ સામે કુલ ૧૭ ગુનાઓ નોંધાયા છે.


Google NewsGoogle News