વાઘોડિયામાં એસ.ટી. ડેપો સામે ગૌવંશની કતલ અને માંસનું વેચાણ કરનારની પાસામાં અટકાયત
આસીફ કુરેશી અગાઉ પણ ગૌવંશની હેરાફેરીમાં ઝડપાયો હતો ઃ પોરબંદર જેલમાં ધકેલાયો
જરોદ તા.૮ વાઘોડીયા એસ.ટી ડેપો સામે દાતાર હોટલ પાછળ આવેલ નુંરમહમદ અબ્દુલરહીમ કુરેશી તથા તેનો પુત્ર આસીફ પોતાની મટનની દુકાન ઉપર ચોરી છુપીથી અવાર નવાર ગૌવંશ લાવી ગૌવંશનું કતલ કરી માંસ વેચાણ કરતા હોવાની માહિતીના આધારે વાઘોડિયા પોલીસે ફેબુ્રઆરી માસમાં દરોડો પાડયો હતો.
જે તે સમયે નુરમહમદ કુરેશી હાજર મળી આવેલ પરંતુ તેનો પુત્ર આસીફ હાજર મળ્યો ન હતો અને મટન શોપની દુકાનમાથી કુલ ૬ કિલો જેટલુ માંસ તથા એકાદ વર્ષની ઉંમરના બે પાડા તથા એક ગૌવંશ (વાછરડુ) કતલ કરવાના ઇરાદે કોઇ પણ જાતની સગવડ વગર ટૂંકા દોરાથી બાંધી રાખેલ મળી આવેલ હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે કબજે કરેલા સેમ્પલ એફએસએલ સુરત ખાતે મોકલતા તે માંસ ગૌવંશનુ હોવાનુ પુરવાર થયું હતું. જેથી બન્ને ઇસમો નુરમહમદ અબ્દુલરહિમ કુરેશી તથા તેના પુત્ર આસીફ (મીનાપાર્ક સોસાયટી, ખંધા રોડ, વાઘોડિયા)ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ બન્ને જામીન પર મુક્ત થયા હતા. આસીફ અગાઉ વર્ષ-૨૦૨૨માં પણ ગૌમાંસની હેરાફેરીમાં પકડાયો હતો. દરમિયાન તેની સામે તૈયાર થયેલી પાસાની દરખાસ્તને મંજૂરી મળતાં જ પોલીસે આસીફને ઝડપી પાડી પોરબંદર જેલમાં પાસા હેઠળ મોકલી આપ્યો હતો.