મધ્ય ગુજરાતમાંથી છેલ્લા સાત મહિનામાં રૃા.૪૦.૭૩ કરોડની વીજ ચોરી ઝડપાઈ
વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપનીના વિજિલન્સ વિભાગ તેમજ વિવિધ સર્કલ ઓફિસો દ્વારા વીજ ચોરી પકડવાની કામગીરી સતત ચાલી રહી છે.એપ્રિલ-૨૩ થી ઓક્ટોબર -૨૩ એમ સાત મહિનામાં વડોદરા શહેર તેમજ બીજા ચાર સર્કલમાંથી કુલ મળીને ૪૦.૭૩ કરોડ રુપિયાની વીજ ચોરી પકડવામાં આવી છે.
કુલ મળીને ૧૬૯૦૨ ગ્રાહકોને વીજ ચોરીના બિલો ફટકારવામાં આવ્યા છે.આ પૈકી ૩૧૧ કેસોમાં વીજ ચોરીની રકમ એક લાખ રુપિયાથી વધારે થવા જાય છે.વીજ કંપનીના સૂત્રોના કહેવા પ્રમાણે એકલા ઓક્ટોબર મહિનામાં જ ૩૧૭૬ કેસોમાં ૬.૭૮ કરોડ રુપિયાની વીજ ચોરી પકડાઈ છે.
સાત મહિનામાં સૌથી વધારે ૧૪.૦૬ કરોડ રુપિયાની વીજ ચોરી ગોધરામાંથી પકડાઈ છે.જેમાં ૭૩૩૬ ગ્રાહકો વીજ ચોરી કરતા ઝડપાયા છે.ગત વર્ષે એટલે કે ૨૦૨૨-૨૩માં વીજ ચોરી પકડવા માટે ૫૨ કરોડનો ટાર્ગેટ મુકવામાં આવ્યો હતો.આ વર્ષે પણ બાકીના પાંચ મહિનામાં વીજ ચોરી પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
સૂત્રોનુ કહેવુ છે કે, સૌથી વધારે ૭૦ ટકા વીજ ચોરી રહેણાંક વિસ્તારોમાંથી ઝડપાઈ છે.૧૦ ટકા વીજ ચોરીના કેસો વ્યવસાયિક ગ્રાહકોના અને ૧૦ ટકા વીજ ચોરીના કેસો કૃષિ ક્ષેત્રના છે.વધારે પડતી વીજ ચોરી આદિવાસી વિસ્તારોમાં થાય છે.મોટાભાગના કેસમાં વાયર પરથી જ સીધુ વીજ જોડાણ લઈ લેવામાં આવે છે.કેટલાક કેસમાં વીજ મીટર સાથે ચેડા કરવા માટે તેમાં રેઝિસસ્ટર ફિટ કરી દેવામાં આવે છે અને અમુક ગણતરીના કિસ્સામાં વીજ મીટરમાંથી મેગ્નેટ પણ પકડાયા છે.મેગ્નેટના વેવ્ઝના કારણે મીટર પર અસર પડે છે અને રિડિંગ નોંધવાની પ્રક્રિયા ખોરવાય છે.