Get The App

ટોલ રોડ હોવા છતાં પાર્ક કરેલ કન્ટેનર પાછળ કાર ઘુસી ગઇ પાંચના મોત

વડોદરા નજીક નેશનલ હાઇવે પર જામ્બુવા પાસે રવિવારે રાત્રે બનેલો બનાવો

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
ટોલ રોડ હોવા છતાં પાર્ક કરેલ કન્ટેનર પાછળ કાર ઘુસી ગઇ પાંચના મોત 1 - image


વડોદરા : નેશનલ હાઇવે પર જાંબુવા પાસે રવિવારે રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વર્ષના બાળક સહિત એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે ૪ વર્ષની બાળકીનો બચાવ થયો છે. મેડિકલ રિપ્રેન્ઝન્ટેટીવ તરીકે કામ કરતા બે સગા ભાઇનો પરિવાર મિત્રના ફાર્મ પર ભરૃચ ગયો હતો અને ત્યાંથી કારમાં રાત્રે વડોદરા પરત આવી રહ્યો હતો ત્યારે હાઇવે પર ગેરકાયદે પાર્ક કરાયેલા કન્ટેનર પાછળ કાર ઘુસી ગઇ હતી.

ચાર વર્ષની બાળકીનો બચાવ થયો, બે સગા  ભાઇનો પરિવાર ભરૃચ ખાતે મિત્રના ફાર્મ પરથી પરત ફરી રહ્યો હતો

વડોદરા નજીક સયાજીપુરા ખાતે ફિલ્મ સિટી નજીક માધવનગરમાં રહેતા પ્રજ્ઞોશ પટેલ (ઉ.૩૪) તેની પત્ની ઉર્વશી (ઉ.૩૧), પ્રજ્ઞોશનો નાનો ભાઇ મયુર (ઉ.૩૦) મયુરની પત્ની ભૂમિકા (ઉ.૨૮) પ્રજ્ઞોશ પટેલના બે સંતાનો લવ (ઉ.૧) અને અસ્મિતા (ઉ.૪) રવિવારની રજા હોવાથી વડોદરા ખાતે જ રહેતા મિત્ર દિલીપસિંહ પરમારના ભરૃચ નિકોરા પાસે આવેલા ફાર્મ ઉપર ગયા હતા. રાત્રે તેઓ વડોદરા પરત ફરી રહ્યા હતા ત્યારે આગળની કારમાં પ્રજ્ઞોશ અને મયુરનો પરિવાર હતો જ્યારે પાછળ દિલીપસિંહની કાર આવી રહી હતી.

જો કે આ લોકો વડોદરા પહોંચવામાં જ હતા ત્યારે મોડી રાત્રે જાંબુવા પાસે હાઇ વે પર પાર્ક કરેલ કન્ટનેરમાં પ્રજ્ઞોશની કાર ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં પ્રજ્ઞોશની અલ્ટો કાર પડીકુ વળી ગઇ હતી. મોડી રાત્રે ફાયર બ્રિગેડે આવીને કારમાંથી લોકોને બહાર કાઢ્યા હતા જો કે પ્રજ્ઞોશ, ઉર્વશી, મયુર અને ભૂમિકા અને લવનું મૃત્યુ થઇ ચુક્યુ હતુ જ્યારે અસ્મિતાને ઇજાઓ થઇ હતી એટલે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પ્રજ્ઞોશ અને મયુરના પરિવારમાં હવે અસ્મિત સિવાય કોઇ બચ્યુ નથી. હાઇ વે પર ગેરકાયદે પાર્કિંગના કારણે બે સગા ભાઇનો પરિવાર કાળનો કોળીયો બની ગયો.

મયુરના તો  હજુ અઢી મહિના પહેલા જ લગ્ન થયા હતા, કોરોનામાં માતા-પિતા ગુમાવ્યા હતા, હવે પટેલ પરિવારમાં માત્ર ચાર વર્ષની બાળકી રહી

રવિવારે મોડી રાત્રે હાઇવે પર અકસ્માતમાં કાળનો કોળીયો બની ગયેલા સયાજીપુરાના પટેલ પરિવારની કરૃણાંતિકા એ છે કે આખા પરિવારમાં હવે ચાર વર્ષની અસ્મિતા સિવાય કોઇ બાકી નથી રહ્યું. પ્રજ્ઞોશ અને મયુર બન્ને ભાઇઓના પત્નીઓ તથા એક વર્ષના બાળક સાથે અકસ્માતમાં મોત થયા છે. જ્યારે બન્ને ભાઇઓએ તેના માતા પિતાને કોરાનામાં ગુમાવ્યા હતા.

માતા-પિતાના મોતના આઘાતમાંથી બહાર આવીને બન્ને ભાઇનો પરિવાર સુખરૃપ જીવન જીવી રહ્યો હતો. પરંતુ કન્ટેનર ચાલકની બેદરકારીના કારણે પરિવાર કાળનો કોળીયો બની ગયો. આખા પરિવારમાં હવે માત્ર ચાર વર્ષની બાળકી બચી છે. પટેલ પરિવારના સંબંધીઓનું કહેવુ છે કે પાંચ લોકોના મોત થયા છતાં કોઇ આગેવાન કે રાજકારણી પરિવારના આંસુ લુછવા નથી આવ્યો. ચાર વર્ષની બાળકીની જવાબદારી હવે નાના-નાની ઉપર આવી ગઇ છે.

ટોલ રોડ હોવા છતાં વાહનો ગેરકાયદે પાર્ક થાય છે, કડક કાર્યવાહીની માગ

વડોદરા નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર ટ્રક, ટ્રેલર, કન્ટેનર, ક્રેન સહિતના જમ્બો વાહનો રાત પડતા જ ગેરકાયદે પાર્ક કરેલા નજરે પડે છે.  હાઇવે પર પાર્ક થતા આ વાહનોના કારણે દર મહિને ચાર થી પાંચ અકસ્માતના બનાવો બને છે અને નિર્દોષ જીંદગીઓ બેદરકારીના કારણે છીનવાઇ જાય છે તેમ છતાં આરટીઓ, હાઇવે પેટ્રોલિંગ પોલીસ, સ્થાનિક પોલીસ તંત્ર અને ટ્રાફિક પોલીસ તંત્ર નઘરોળ બનીને શાંત બેઠુ છે. અત્યાર સુધીમાં આ મામલે કોઇ વાહન માલીક કે ચાલક સામે કાર્યવાહી થઇ હોય અને કડક સજા થઇ હોય તેવી ઘટના નથી નોંધાઇ. આશ્ચર્ય એ વાતનું છે કે વડોદરા નજીકથી પસાર થતો હાઇવે તો ટોલ રોડ છે અને ટોલ ઉઘરાવનાર કોન્ટ્રાક્ટરની પ્રથમ જવાબદારી છે કે હાઇવે ઉપર ગેરકાયદે વાહનો પાર્ક ના થવા જોઇએ એટલે આ કેસમાં કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાવી જોઇએ.


Google NewsGoogle News