નડિયાદમાં 10 મહિનાથી ગટર ઉભરાતી હોવા છતાં તંત્ર નિષ્ક્રિય
ચોકઅપ થયેલી ગટરો સાફ કરવા માંગણી
અમદાવાદી બજારથી મચ્છી માર્કેટ રોડ પર પસાર થવું મુશ્કેલ ઃ વારંવાર રજૂઆત છતાં નિરાકરણ નહીં
રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ નડિયાદ શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવી નાગરિકોને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવા નડિયાદ નગરપાલિકાને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. છતાં આ ગ્રાંટનો જાણે યોગ્ય દિશામાં ઉપયોગ ન થતો હોય તે રીતે છેલ્લા આઠ-દસ મહિનાથી નડિયાદ શહેરમાં અમદાવાદી બજારથી ફીશ માર્કેટ સુધીના વિસ્તારમાં જાહેર રોડ પરની ડ્રેનેજો ઉભરાવવાથી જાહેર રસ્તા પર પુષ્કળ પ્રમાણમાં ગટરોના ગંદા પાણીનો ભરાવો થતાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરથી માંડીને સંબંધિત અધિકારીઓને સ્થાનિક નાગરિકો તથા વેપારી આલમ દ્વારા અવાર નવાર ઘ્યાન દોરવામાં આ્વ્યું હોવા છતાં નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓના પેટનું પાણીય હાલતું ન હોવાના આક્ષેપ ઉઠયા છે. નડિયાદ શહેરમાં અમદાવાદી દરવાજાથી ફીશ માર્કેટ સુધીના વિસ્તારમાં જાહેર રોડ પરની ડ્રેનેજો ઉભરાવાની સમસ્યાનું સ્થાનિકોની હિતમાં નિવારણ લાવવા માટે માંગણી કરાઈ છે.