યુવાન પર વીજળી પડી છતાં ૨૦૦ મીટર દૂર ઘર પાસે પહોંચ્યો અને બેભાન થયો
ઘરના સભ્યો ઘરમાં લઇ ગયા અને છાતી પમ્પિગ કરતાં ભાન આવ્યું, મને કરંટ લાગ્યો કહી ફરી બેભાન ઃ હોસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ
વડોદરા, તા.10 વડોદરા શહેરમાં ગઇકાલે વાવાઝોડા સાથે વરસાદની સાથે કેટલાંક સ્થળોએ વીજળી પણ ત્રાટકી હતી. શહેર નજીક લક્ષ્મીપુરા ગામ પાસે બાઇક પર ઘેર જતાં એક યુવાન પર વીજળી ત્રાટકતા અર્ધબેભાન હાલત થઇ ગયો હોવા છતાં યુવાન રોડ પરથી ફરી બેઠો થઇને બાઇક લઇને ૨૦૦ મીટર દૂર ઘર પાસે જઇને પડી ગયો હતો. વીજળી પડવા છતાં હિંમત નહી હારનાર યુવાન ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં હાલ સારવાર લઇ રહ્યો છે.
વડોદરા-પાદરારોડ પર લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા ભગતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે મારો ૨૫ વર્ષનો પુત્ર અક્ષય ગઇકાલે સાંજે પોતાની સ્પોર્ટ્સ બાઇક કેટીએમ લઇને ઘેરથી નીકળી મિત્રને ત્યાં જતો હતો. તે દાંડિયાબજાર-અકોટા બ્રિજ પર સોલાર પેનલ પાસે હતો ત્યારે અચાનક વાવાઝોડું શરૃ થયું હતું અને ધૂળની ડમરીઓ ઉડતા રોડ પર સાઇડ પર ઊભો થઇ ગયો હતો. તેણે મને ફોન કર્યો હતો અને ઘર પાસે કેવી હાલત છે તેમ પૂછતાં મેં વરસાદ ચાલુ થયો છે અને તેને ઘેર પરત આવવા સલાહ આપી હતી.
મારો પુત્ર બાદમાં ઘેર આવવા નીકળ્યો હતો અને રસ્તામાં વરસાદના કારણે તે પલળી ગયો હતો. લક્ષ્મીપુરા પાસે ગ્રીનલેન્ડ સોસાયટીના રસ્તા પાસે અમારા ઘરથી ૨૦૦ મીટર દૂર હતો ત્યારે અચાનક ધડાકા સાથે વીજળી તેના પર પડી હતી વીજળીનો કેટલોક ભાગ નજીકમાં વીજળીના થાંભલા અને વાયર પર પડયો હતો પરંતુ મારા પુત્ર પર વીજળી પડતાં તે જમીન પર બાઇક સાથે પડયો હતો. તેને શરૃઆતમાં કશું દેખાતું ન હતું પરંતુ બાઇક ચાલુ હતી જેથી ધીમેથી હિંમતપૂર્વક તે ઊભો થયો અને બાઇક લઇને ઘર પાસે આવતા તે બેભાન થઇ ગયો હતો.
ઘર પાસે આવ્યો ત્યારે અમે બહાર દોડીને આવ્યા ત્યારે મારો પુત્ર જમીન પર પડેલો જણાતા તેને ઘરની અંદર લઇ ગયા અને તેને પહેરેલું હેલ્મેટ કાઢી છાતીમાં પમ્પિંગ કરતાં તે સહેજ જાગ્યો અને મને કરંટ લાગ્યો વીજળી પડી તેમ કહ્યા બાદ ફરી તે બેભાન થઇ ગયો હતો.બાદમાં તુરંત જ વાસણા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં જ્યાં હાલ તે આઇસીયુમાં ગંભીર હાલતમાં છે.
ભગતસિંહે જણાવ્યું હતું કે મારા પુત્રએ એમએસયુમાં સાયન્સમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે અને તેને બાઇક રેસિંગનો શોખ છે. તે બાઇક રેસર અને સ્ટંટબાજ ઉપરાંત યુ ટયૂબર તરીકે પણ ઓળખાય છે.