Get The App

PF કમિશનરનો હુકમ છતાં હજી કર્મચારીઓ નાણાંથી વંચિત

જૂની કેમરોક ઇન્ડસ્ટ્રિઝના કર્મચારીઓના પીએફના પૈસા ના મળતાં વડાપ્રધાનને રજૂઆત

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
PF કમિશનરનો હુકમ છતાં હજી કર્મચારીઓ નાણાંથી વંચિત 1 - image

વડોદરા, તા.12 વડોદરા-હાલોલ રોડ પર આવેલી જૂની કેમરોક ઇન્ડસ્ટ્રિઝ - એક્સપોર્ટ કંપની દ્વારા કર્મચારીઓના પીએફના નાણાં પીએફ કમિશનરે ચૂકવવા માટેનો હુકમ કર્યો હોવા છતા હજી પણ કર્મચારીઓ પોતાના હક્કના નાણાંથી વંચિત રહેતા વડાપ્રધાન સુધી ફરિયાદ કરવામાં આવી છે.

આસોજ ગામની સીમમાં આવેલી કેમરોક ઇન્ડસ્ટ્રિઝ એક્સપોર્ટ કંપની માર્ચ-૨૦૧૬થી બંધ થઇ ગઇ હતી. આ કંપનીએ નાદારી જાહેર કર્યા બાદ કંપનીમાં ફડચા અધિકારીની નિમણૂંક કરવામાં આવી હતી. કંપની બંધ થતા અનેક કર્મચારીઓ બેકાર થઇ ગયા હતાં. કર્મચારીઓના પગારમાંથી કાપ્યા બાદ ૨૧ માસના પીએફના નાણાં કંપની દ્વારા પીએફ ઓફિસમાં જમા કરાવવામાં આવ્યા ન હતાં જેની જાણ થતાં કર્મચારીઓએ પીએફ ઓફિસમાં તા.૨૮ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ પીએફના નાણાં મેળવવા માટે કેસ દાખલ કર્યો હતો. લાંબા સમયની લડત બાદ તા.૧૨ જુલાઇ ૨૦૨૩ના રોજ રિજિયોનલ પીએફ કમિશનરે ૩૧૩ કર્મચારીઓ તરફે ઓર્ડર કરી કુલ રૃા.૧.૬૫ કરોડ ચૂકવવા જણાવ્યું હતું.

પીએફ ઓફિસ દ્વારા કંપની અને કંપનીના અમદાવાદ ખાતેના લિક્વિડેટરને પણ જાણ કરી હતી. લાંબા સમયથી ચાલતી લડતમાં કર્મચારીઓને ન્યાય તો મળ્યો પરંતુ હજી સુધી ફડચા અધિકારી દ્વારા નાણાં જમા નહી કરાવાતા ઓર્ડરને પાંચ માસથી પણ વધુ સમય થવા છતાં હજી સુધી કર્મચારીઓને પીએફના પૈસા મળ્યા નથી. આ અંગે લિક્વિડેટરને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ નહી આવતા આખરે વડાપ્રધાન કાર્યાલય સમક્ષ કર્મચારીઓએ દાદ માંગી છે.




Google NewsGoogle News