વડોદરા: લોકોને પૂરતું પાણી અપાતું હોવાના દાવા છતાં પણ 90 લાખના ખર્ચે ટેન્કરોથી પાણી આપવા કોર્પોરેશન દ્વારા વાર્ષિક ઇજારો કરાશે

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
વડોદરા: લોકોને પૂરતું પાણી અપાતું હોવાના દાવા છતાં પણ 90 લાખના ખર્ચે ટેન્કરોથી પાણી આપવા કોર્પોરેશન દ્વારા વાર્ષિક ઇજારો કરાશે 1 - image


દૂષિત પાણીની ફરિયાદો, પાણીના નેટવર્કનો અભાવ અને જ્યાં પાણી લો પ્રેશરથી મળે છે ત્યાં ટેન્કરો દ્વારા પાણી આપવું પડે છે

વડોદરા, તા. 17 નવેમ્બર 2023 શુક્રવાર

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની અછત હોય ત્યારે લોકોને પાણી પૂરું પાડવા ટેન્કરોનો સહારો લેવામાં આવે છે .શહેરીજનોને પૂરતા પ્રેશરથી પૂરતું પાણી આપવામાં આવે છે તેવા શાસકોના દાવા વચ્ચે પણ ટેન્કરો પાછળ કોર્પોરેશને વાર્ષિક કોન્ટ્રાક્ટ કરવા પડે છે, અને આ માટે વર્ષે અંદાજે એક કરોડ ખર્ચ પણ થાય છે. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં એક દરખાસ્ત  રજૂ કરવામાં આવી છે. અછતના સમયમાં પાણી વિતરણ કરવા 90 લાખની મર્યાદામાં ભાડેથી ટેન્કર મેળવવાનો વાર્ષિક ઈજારો કરવામાં આવનાર છે. 4000 લીટર ની ટેન્કર માટે એક ફેરા દીઠ રૂપિયા 412  અને 5000 લીટરની ટેન્કર  માટે એક ફેરા દીઠ રૂપિયા 505 લેવામાં આવશે. પાણીની લાઈનમાં કોન્ટામિનેશન,  લો-પ્રેસર, લાઇનના બ્રેક-ડાઉન, લાઇન પરના વાલ્વ બગડવા, વગેરે જેવા સ્થળોએ કામગીરી દરમિયાન  જે તે વિસ્તા૨માં પાણી બંધ રહે અથવા તો પાણી ઓછુ મળે તેવી સ્થિતિમાં આવા સ્થળોએ ટેન્કર મા૨ફત પાણીનું વિત૨ણ ક૨વામાં આવતું હોય છે, આ ઉપરાંત મુખ્યમંત્રી આવાસ યોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ, બી.એસ.યુ.પી.આવાસ યોજનાઓ, વસાહતો, જેવા સ્થળોએ અવારનવાર પાણીની તકલીફો ઊભી થાય ત્યારે  નાગરિકોને  ટેન્કરથી પાણી પહોંચાડવા માટેની જરૂરીયાત ઉભી થાય છે. આવા સ્થળોએ લોકોને પાણીની ટેન્કર મોકલવા  ધારાસભ્ય, કાઉન્સિલર, સ્થાનિક હોદ્દેદારો,  અધિકારી, વોર્ડ શાખા, અને સ્થાનિક નાગરિકો તરફથી પણ રજૂઆતો કરવામાં આવતી હોય છે.હાલમાં શહે૨ની હદમાં પણ વધારો થયેલ છે. જેથી દૂરનાં વિસ્તારોમાં જ્યાં પાણી નું નેટવર્ક નથી ત્યાં પણ ટેન્કરો મોકલવામાં આવે છે એટલું જ નહીં દૂરની નવી સમાવિષ્ટ વસાહતોમાં પણ ટેન્કરો દ્વારા પાણી વિત૨ણ કરવાની આવશ્યકતા ઊભી થાય છે. ચારે ઝોનમાં ફાયરબ્રીગેડના વાહનો દ્વારા લો-પ્રેશર તથા ગંદા પાણીની કામગીરી માટે પાણીની ટેન્કરો પૂરી પાડવામાં આવે છે. જે પૂરતી નહીં હોવાથી વધારાની જરૂરીયાત પૂરી કરવા બહા૨થી પ્રાઇવેટ વાહનોભાડેથી લેવાની જરૂરીયાત રહે છે. જેથી આ વાહનોની ઘટને પહોંચી વળવા 90 લાખની મર્યાદામાં વાર્ષિક ઇજારો કરવો દરખાસ્તમાં જરૂરી ગણાવાયો છે.


Google NewsGoogle News