૧.૫૦ કરોડની સામે ૨.૩૭ કરોડ લેવા છતાંય સિક્યુરિટીઝ કંપનીએ બેન્કમાંથી લોન લઇ લીધી
બિલ્ડરે તમામ રૃપિયા ચૂકવી દીધા તો પણ મિલકતનો પરત દસ્તાવેજ કરી આપ્યો નહીં
વડોદરા,બિલ્ડરે વ્યાજે લીધેલા દોઢ કરોડની સામે ૨.૩૭ કરોડ ચૂકવી દીધા હોવાછતાંય સિક્યુરિટીઝ કંપની દ્વારા સિક્યુરિટી પેટે લીધેલી મિલકતનો પરત દસ્તાવેજ કરી આપવામાં આવ્યો નહતો. તેમજ તે મિલકત પર બેન્કમાંથી દોઢ કરોડની લોન લઇ લેવામાં આવી હતી. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સમા સાવલી રોડ પ્રેમ દર્શન ટાવરમાં રહેતા મનિષ ભાદાભાઇ પાનસુરિયા એસ.પી.ઇન્ફ્રા નામથી બિલ્ડીંગ કન્સટ્રક્શનનું કામ કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૧૬માં અમે ચાર ભાઇઓએ ભાગીદારીમાં ન્યૂ વી.આઇ.પી.રોડ સુપર બેકરીની બાજુમાં સિદ્ધેશ્વર પ્લાઝા નામની કોમર્શિયલ સાઇટ શરૃ કરી હતી. કંપનીને રૃપિયાની જરૃરિયાત ઉભી થતા અમારી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા છાયાબેન મોહિતેએ તેમના બનેવી સ્નેહલ ઠક્કર ( રહે.શ્રી મહાલક્ષ્મી રેસિડેન્સી, મુંબઇ) નો સંપર્ક કરાવ્યો હતો. સ્નેહલ ઠક્કરે ૨.૨૫ ટકાના વ્યાજે રૃપિયા આપવાનું તેમજ સિક્યુરિટી પેટે મિલકતનો દસ્તાવેજ કરી આપવા કહ્યું હતું. અમે ૧.૫૦ કરોડ લીધા હતા. અને સિદ્ધેશ્વર પ્લાઝાની ૯ દુકાનોના દસ્તાવેજ કરી આપ્યા હતા. તે સમયે કે.જી.વોરા સિક્યુરિટીઝ કંપનીના ભાગીદારો સ્નેહલ ઠક્કર, છાયાબેન મોહિતે તથા ઋષિકુમાર સ્નેહલભાઇ ઠક્કર, હર્ષ છાયાબેન મોહિતે,તુષાર અમૃતલાલ જોષી તથા પારૃલ તુષારભાઇ જોષીએ ભાગીદારની ભૂમિકા ભજવી હાજર રહ્યા હતા.
અમે દોઢ કરોડ તથા વ્યાજના ૬૦.૭૫ લાખ ચૂકવી આપ્યા હતા. તેમછતાંય તેઓએ પરત દસ્તાવેજ કરી નહી આપતા રેરામાં કેસ ચાલી રહ્યો છે. કે.જી.વોરા સિક્યુરિટીના ભાગીદારોઓ ધમકી આપી પતાવટના ૨૬.૩૭ લાખ વિશાલ હરગોવિંદભાઇ પ્રજાપતિ ( રહે. પૂનમ નગર, સમા)ને વચ્ચે રાખીને લીધા હતા. ત્યારબાદ પણ દસ્તાવેજ પરત કરી આપ્યા નહતા. અમે કુલ ૨.૩૭ કરોડ ચૂકવી દીધા હોવાછતાંય મિલકત પર બેન્કમાંથી દોઢ કરોડની લોન લઇ હપ્તા ભર્યા નહતા.