લાયકાત નહી હોવા છતા વી.સી. તરીકે પ્રો.શ્રીવાસ્તવની પસંદગી કેમ થઇ : યુજીસીના ચેરમેનને પત્ર

શિક્ષણમંત્રી અને વડાપ્રધાન બાદ હવે યુજીસીના ચેરમેનને પત્ર લખીને પ્રો. પાઠકે તપાસની માગ કરી

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
લાયકાત નહી હોવા છતા વી.સી. તરીકે પ્રો.શ્રીવાસ્તવની પસંદગી કેમ થઇ : યુજીસીના ચેરમેનને પત્ર 1 - image


વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની યોગ્યતા સામે ગંભીર સવાલ ઉભો કરીને શિક્ષણમંત્રીથી લઇને વડાપ્રધાનને પત્ર લખીને વાઇસ ચાન્સેલર પદેથી પ્રો.વિજય શ્રીવાસ્તવને હટાવવા માટે માગ કરનાર વરિષ્ઠ અધ્યાપક પ્રો.સતિષ પાઠકે હવે યુજીસીના ચેરમેનને પણ પત્ર લખીને પ્રો.વિજય શ્રીવાસ્તવને વી.સી.પદેથી તુરંત દુર કરવા માગ કરી છે. એમનું કહેવું છે કે તમામ પ્રકારના દસ્તાવેજો એ તરફ નિર્દેશ કરી રહ્યા છે કે પ્રો.શ્રીવાસ્તવની વી.સી. તરીકે નિમણૂંક ગેરકાયદે થઇ છે.

૨૫ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારને બાજુ પર મુકીને સર્ચ કમિટીએ ખાનગી યુનિવર્સિટીમા પ્રોફેસર તરીકે માત્ર ૩ વર્ષનો અનુભવ ધરાવનાર શ્રીવાસ્તવની પસંદગી કરી

પ્રો.સતિષ પાઠકનું કહેવું છે કે 'સર્ચ કમિટીએ જે ત્રણ નામો શોર્ટ લિસ્ટ કર્યા હતા તેમાં સૌથી ખરાબ અથવા ઉતરતો બાયોડેટા પ્રો.શ્રીવાસ્તવનો હતો.  પ્રો.શ્રીવાસ્તવે એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનતા પહેલા જે સાત યુનિવર્સિટીમાં કામ કર્યુ છે તેમાંથી એક પણ યુનિવર્સિટી સરકારી કે ગ્રાન્ટેડ નથી.આ સાત પૈકીની કેટલીક સંસ્થાઓ તો યુનિવર્સિટી સ્તરની પણ નથી. આ ઉપરાંત શ્રીવાસ્તવ પાસે પ્રોફેસર તરીકેનો માત્ર ત્રણ વર્ષનો અનુભવ છે. વાઇસ ચાન્સેલર તરીકે તેની જ નિમણૂંક થઇ શકે જેને પ્રોફેસર તરીકે ઓછામાં ઓછો ૧૦ વર્ષનો અનુભવ હોય. તેમ છતાં સર્ચ કમિટિએ ૨૪ વર્ષનો પ્રોફેસર તરીકે અનુભવ ધરાવતા સિનિયર પ્રોફેસરને બાજુ પર મુકીને પ્રો.શ્રીવાસ્તવની પસંદગી કેમ કરી તે મુદ્દો ગંભીર છે અને તપાસ થવી જોઇએ. આ સમગ્ર પ્રકરણમાં રાજ્ય સકરાર ચુપ છે.

ઉલ્લેખનીય છે કે પ્રો.વિજય શ્રીવાસ્તવની જ્યારથી વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂંક થઇ છે ત્યારથી એમ.એસ.યુનિવર્સિટી વિવાદોનું કેન્દ્ર બની ગઇ છે. સેનેટ અને સિન્ડિકેટને વિશ્વાસમાં લીધા વગર જ એક તરફી નિર્ણયો લઇને હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. પ્રો.શ્રીવાસ્તવની આપખુદ શાહી સામે આખી યુનિવર્સિટી ચુપ છે ત્યારે આ અન્યાય સામે પ્રો.પાઠકે મોરચો માંડયો છે.


Google NewsGoogle News