ગુજરાતે 26 બેઠક આપી છતાં ભાજપે વિકાસ કર્યો નહિ : આમ આદમી પાર્ટીના દિલ્હી-પંજાબના સીએમ
વડોદરા,તા.15 માર્ચ 2024,શુક્રવાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના કેમ્પેઈનનું વડોદરાથી લોન્ચિંગ હેતુ વડોદરાની મુલાકાતે છે. બપોરે તેઓ વડોદરા એરપોર્ટ આવી પહોંચતા જણાવ્યું છે કે, પાછલી ચૂંટણીમાં ગુજરાતની જનતાએ તમામ 26 બેઠકો ભાજપને આપી હોવા છતાં વિકાસ ન થયો હોવાનું ખુદ ભાજપના હોદેદારો પણ સ્વીકારી રહ્યા છે. હવે ગુજરાતની જનતા એકવાર આપ ને મોકો આપે અને કામગીરી સારી રહે તો બીજીવખત અમને મત આપે. તેમજ ભાજપ ઇડીના માધ્યમથી જોડતોડ કરી બેઈમાનીથી રાજનીતિ કરી રહ્યું છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ કહ્યું હતું કે, ગુજરાતની જનતા આપના ભરૂચ બેઠક પરથી ઉમેદવાર ચૈતર વસાવા અને ભાવનગર બેઠક ઉપરથી ઉમેદવાર ઉમેશ મકવાણાને સંસદની સીડીઓ સુધી પહોંચાડે. લોકોના અધિકારની રક્ષા કરતા વ્યક્તિને જ નેતા કહેવાય. ચંદીગઢના મેયરની ઘટના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત થયું હશે કે, મેયરની ઘોષણા સુપ્રીમ કોર્ટ કરે. આવી ઘટનાઓના કારણે આગામી સમયમાં મતોની ગણતરી બાબતેની અત્યારથી ચિંતા છે. અમારા નેતાઓ વિકાસ કરી રહ્યા હોય ભાજપને ખટકી રહ્યું છે. અને તેના કારણે અમારા નેતાઓને એક પછી એક જેલમાં ધકેલી રહ્યા છે. હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ નવ સમન્સ પાઠવી ચુક્યા છે. કેજરીવાલની ધરપકડ કરે તો તેમની વિચારધારા અને તેમની જેવા અનેક કેજરીવાલ બન્યા છે તેમને કેવી રીતે ધરપકડ થશે. હવે આ ઝાડુથી દુકાન મકાનની જગ્યાએ હિન્દુસ્તાન સાફ કરીશું. અભિનેતા સની દેઓલ માત્ર બોર્ડર પર ફિલ્મી ડંકી ઉખાડી શકે છે પરંતુ જાતે નડ લગાવી શકતો નથી. અને હવે પંજાબમાં ભાજપને ઉમેદવાર મળી રહ્યા નથી. વૃક્ષો પણ દર વર્ષે પાંદડા બદલી નાખે છે ગુજરાતના લોકો પણ આ વર્ષે કંઈક બદલે તો સારું. અમને ગુજરાતી ઘણી આશા અને અપેક્ષા છે.
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યું હતું કે, પાછલી વિધાનસભામાં ભાજપના ગઢ ગુજરાતમાંથી અમે 14 ટકા મતો મેળવ્યા છે. ગુજરાતમાં કહેવત હતી જે અહી માત્ર બે પાર્ટી ચાલે પણ અમે ત્રીજી પાર્ટીએ પગ પેસારો કરી કહેવત બદલી નાખી. 156 બેઠક મેળવ્યા પછી પણ ભાજપે વિકાસ કાર્યો કરવાના સ્થાને એમ.એલ.એ તોડવાનું કાર્ય કર્યું છે. એ દિવસ દૂર નથી જ્યારે અમે કેન્દ્રમાં સરકાર બનાવીશું. જેમાં ગુજરાતીઓનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. લોકસભામાં 26 બેઠકોમાં ભાજપએ જીત મેળવ્યા બાદ પેપરલીક , બેરોજગાર, દારૂ કાંડ સહિતના અનેક મુદ્દાઓ ઉપર રજૂઆત કરવાના સ્થાને અહીંના એમપી અને એમએલએ મૂંગા મંતુર બન્યા છે. અત્યાર સુધી ભાજપનો માલ ટ્રાય કર્યો હવે અમારો માલ ટ્રાય કરો. તાજેતરમાં અહીંના સરપંચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ને શાળા બાબતે ટકોર કરી હતી. ગુજરાતમાં ભાજપના ફાઇવ સ્ટાર કાર્યાલય બની રહ્યા છે પરંતુ શાળા નજરે ચડતી નથી. જ્યારે અમારા કાર્યાલય નથી પરંતુ શાળાઓ આધુનિક છે. ચૈતરભાઈને જેલમાં નાખી અને ઉમેશ મકવાણા ઉપર જીવલેણ હુમલો કરાવી તેમને તોડવાનો ભાજપે ઘણો પ્રયાસ કર્યો છે. તેમ છતાં તેઓ અડીખમ ઊભા રહેતા તેમની હિંમતની દાદ આપવી પડે તેમ છે. ભરૂચ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા રિટાયરમેન્ટના આરે હોય ભાજપ તેમનું રાજીનામું પણ સ્વીકારી રહી નથી. હેમંત સોરેન નિર્દોષ હોવા છતાં તેને જેલમાં નાખી ભાજપ એ સાબિત કર્યું છે કે તે આદિવાસીઓની વિરુદ્ધમાં છે. આજે પણ આદિવાસી ક્ષેત્ર વિકાસથી વંચિત છે. અમારા ચાર એમએલએ ગુજરાતમાં સારું કામ કરી રહ્યા છે અમને આશા છે આ બે એમપી ને જીત અપાવો. જો તેઓ સારું કાર્ય નહીં કરે તો ફરી વખત વોટ માંગવા નહીં આવું. જો બે બેઠકમાં સફળતા મળશે તો 2027માં ગુજરાતમાં આપની સરકાર બનશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં આપનું સૂત્ર "ગુજરાતમાં પણ કેજરીવાલ"