૧૭ લાખની સામે ૭૫ લાખ વસૂલ્યા છતા પણ વધુ ૬૦ લાખની ઉઘરાણી
વ્યાજની રકમ ના ચૂકવે તો રોજ ૧૦ હજારની પેનલ્ટી ઃ જમીનદલાલની લાશને ગોત્રી તળાવમાં ફેકવાની ધમકી
વડોદરા, તા.5 શહેર નજીક ખાનપુર ખાતે રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતાં જમીનદલાલે ૧૫ ટકા વ્યાજે લીધેલ રૃા.૧૭ લાખ સામે ૭૫ લાખ ચૂકવ્યા છતાં વધુ ૬૦ લાખની ઉઘરાણી કરતા ગોત્રી તળાવની સામે રહેતા વ્યાજખોર દંપતી સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ખાનપુરમાં સ્મશાનવાળારોડ પર ટ્વીન ટાવર ખાતે રહેતાં પ્રદિપ અશ્વિન પટેલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગોત્રી તળાવ સામે રહેતા ધર્મેશ કંચન પાવા, રુપલ ધર્મેશ પાવા, કલ્પેશ કંચન મકવાણા, અલ્પા કલ્પેશ મકવાણા અને રાજુ મકવાણા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું જમીન લે-વેચનું કામ કરુ છું. વર્ષ ૨૦૨૦-૨૧માં જમીન લે-વેચના સોદામાં મને નુકસાન જતાં મારા મિત્રની ઓળખાણથી મેં ધર્મેશ પાસેથી રૃા.૧ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતાં. આ વખતે ધર્મેશે રાજુ સાથે ઓળખાણ કરાવી હતી અને કહ્યું હતું કે દર મહિને રાજુ વ્યાજની રકમ લેવા માટે આવશે.
બાદમાં મને વધારે રકમની જરૃર હોવાથી મેં વધારે રકમ લીધી હતી અને બાદમાં હું વ્યાજના ચક્કરમાં ફસાતો ગયો હતો. કુલ રૃા.૧૭ લાખ ૧૫ ટકા વ્યાજે લીધા હતા અને તે પેટે દર મહિને હું રૃા.૨.૦૫ લાખ રકમ વ્યાજ પેટે ચૂકવતો હતો. એક મહિનો વ્યાજ આપી ના શકું તો રોજની ૧૦ હજાર પેનલ્ટી વસૂલ કરતો હતો. કેટલીક વખત હું પૈસા ના આપી શકતા ધર્મેશે મને તેના ઘર પાસે બોલાવી રાજુ પાસે માર મરાવ્યો હતો અને ધમકી આપી હતી કે જો મારા પૈસા નહી આપે તો તારી લાશના ટુકડા કરી ગોત્રી તળાવમાં ફેંકી દેશું તારા પરિવારવાળા પણ તને ઓળખી નહી શકે.
ધર્મેશનો માણસ મારા પુત્રને કોલેજમાંથી ઉઠાવી જવાની ધમકી પણ આપતો હતો. મેં લીધેલ કુલ રૃા.૧૭ લાખ સામે વ્યાજ અને પેનલ્ટી પેટે કુલ રૃા.૭૫ લાખ ચૂકવ્યા છતાં વધુ રૃા.૬૦ લાખની ઉઘરાણી કરી ધમકી આપતાં અમે ઘર છોડી સંબંધીને ત્યાં રહેવાનું ચાલુ કર્યું હતું. ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે કલ્પેશ મકવાણાની ધરપકડ કરી હતી જ્યારે અન્ય વ્યાજખોરો ઘર બંધ કરીને ફરાર થઇ ગયા હતાં.