વ્યાજખોરે મહિને 30 ટકા વ્યાજ વસૂલ્યું,5 લાખ સામે 32લાખ ચૂકવ્યા છતાં ત્રાસ આપતાં દવા પીધી
વડોદરાઃ છાણી વિસ્તારમાં રેસ્ટોરાં ચલાવતા એક યુવકે વ્યાજખોરની હેરાનગતિથી કંટાળીને ઝેરી દવા પી લેતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે.ફતેગંજ પોલીસે વ્યાજ વસૂલવા માટે વારંવાર ધમકી આપનાર અમજદ ઉર્ફે નન્નુ નામના શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
ગોત્રીરોડના રણછોડપાર્કમાં રહેતી પિન્કી મલિકે પોલીસને કહ્યું છે કે,મારા પતિ છાણી જકાતનાકા વિસ્તારમાં રેસ્ટારાં ચલાવે છે.મારે બે વર્ષ પહેલાં જ લગ્ન થયા છે.મારા પતિએ ધંધા માટે વર્ષ-૨૦૧૮માં અમજદ શરીફખાન પઠાણ (આલિયા રેસિડેન્સી,ખત્રીનગર પાસે, ગોરવા,હાલ રહે.ચિસ્તિયાનગર,છાણી જકાત નાકા)પાસેથી મહિને ૧૦ ટકા વ્યાજે રૃ.૫ લાખ લીધા હતા.
મારા પતિ ટૂકડે ટૂકડે રકમ ચૂકવતા હતા.પરંતુ વ્યાજખોરે ૧૦ ટકાને બદલે ૩૦ ટકા વ્યાજ ગણવા માંડયું હતું.મારા પતિએ રૃ.૫ લાખની સામે રૃ.૩૨ લાખ ચૂકવ્યા હોવા છતાં અમજદ વારંવાર અમારી હોટલ પર આવી ધમકી આપતો હતો.જેથી મારા પતિ મને તેના વિશે વાત કરતા હતા.
મહિલાએ કહ્યું છે કે,ગઇકાલેહું મસાણી માતાના મંદિરે ગઇ હતી ત્યારે મારા પર હોટલમાં કામ કરતા માણસનો ફોન આવ્યો હતો અને મારા પતિએ રસોડામાં દવા પી લીધી હોવાથી તેમને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હોવાની જાણ કરી હતી.ફતેગંજ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.