છ મહિના પહેલા અરજી કરી હોવા છતાં હજુ સુધી ટુ વ્હિલરનું લાયસન્સ રિન્યુ થયું નથી
લાયસન્સ રિન્યુ થયું નહી હોવાથી ટ્રાફિકના દંડના કારણે અરજદાર પોતાનું સ્કૂટર લઇને નીકળતા નથી, કામ હોય તો ઓટો રિક્ષામાં જવું પડે છે
વડોદરા : આરટીઓએ મોટાભાગની સેવા કોમ્યુટરાઇઝ્ડ ઓનલાઇન કરી દીધી છે. લાયસન્સ રિન્યુ કરવા માટે ઓનલાઇન અરજી કર્યાના એક સપ્તાહમાં લાયસન્સ રિન્યુ થઇ જાય છે, પરંતુ વડોદરા આરટીઓમાં એક અરજદારે છ મહિના પહેલા અરજી કરી હતી અને હજુ સુધી તેનું લાયસન્સ રિન્યુ થયું નથી.
શહેરના છાણી વિસ્તારમાં રહેતા વેપારી રમેશભાઇ પરમાર છ મહિનાથી પોતાનું લાયસન્સ રિન્યુ થાય તેની રાહ જોઇ રહ્યા છે. રમેશભાઇ કહે છે કે 'લાયસન્સ રિન્યુ નહી થતા છ મહિનાથી હું મારું સ્કૂટર લઇને નીકળતા પણ ડરું છુ કેમ કે રસ્તામાં ટ્રાફિક પોલીસ રોકી લે છે અને લાયસન્સ રિન્યુ નહી થયુ હોવાથી રૃ.૫૦૦નો દંડ ફટકારે છે. મારી ઊમર ૫૫ વર્ષની છે. હું સિનિયર સિટિઝન છુ. ઘરેથી દુકાને જવા માટે મારે હવે રોજ રિક્ષાનો ખર્ચ કરવો પડે છે.'
'મારું ટુ વ્હિલર લાયસન્સ ૩૧ માર્ચ,૨૦૨૪ના રોજ એક્સપાયર થતું હતું એટલે મેં તેના બે મહિના પહેલા ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ લાયસન્સ રિન્યુ માટે આરટીઓમાં ઓનલાઇન અરજી કરી હતી. મારી સાથે મારા મોટાભાઇએ પણ અરજી કરી હતી. તેમનું લાયસન્સ એક સપ્તાહમાં જ રિન્યુ થઇ ગયું, જ્યારે મારું લાયસન્સ આજે છ મહિના થયા છતાં હજુ સુધી રિન્યુ થયું નથી. ઓનલાઇન તપાસ કરું છું તો પ્રોસેસમાં છે એવો મેસેજ જ આવે છે'