પંચક્યાસ થઇ ગયો છે, અમારા વ્યવહારનું શું? કરજણનો નાયબ મામલતદાર રૃા.૩૦ હજારની લાંચ લેતા ઝડપાયો
માંકણ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત માટીના કામ માટે રાજેશ મહેન્દ્ર પટેલે રૃા.૫૦ હજાર માંગ્યા હતાં
તા.૧૮ કરજણ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર વહીવટ તરીકે ફરજ બજાવતાંે રાજુભાઇ પટેલ સરકારની સુજલામ સુફલામ યોજનામાં માટીના કામ માટે રૃા.૩૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ કરજણ તાલુકાના માંકણ ગામના ડેપ્યુટી સરપંચ સહિત અન્ય બે શખ્સો દ્વારા સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત ગામમાં આવેલ તલાવડીમાંથી માટી પુરાણના કામ માટે માટી લેવાની પરવાનગી મેળવવા દોઢ માસ પહેલાં અરજી કરાઈ હતી. ગ્રામ પંચાયત દ્વારા તળાવની જમીન સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊઁડું કરી તેમાંથી માટી મેળવીને તેને અન્ય જગ્યાએ ઉપયોગ કરવા માટે મંજૂરી આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો.
આ ઠરાવના આધારે કરજણ મામલતદાર કચેરી દ્વારા પંચક્યાસ કરવામાં આવેલ અને થોડા દિવસો પહેલાં મામલતદાર ઓફિસમાં નાયબ મામલતદાર વહીવટ તરીકે ફરજ બજાવતા રાજેશ મહેન્દ્રભાઇ પટેલે અરજદારને પોતાની ઓફિસમાં ફોન કરીને બોલાવ્યા હતા અને રાજેશ પટેલે જણાવેલ કે પંચક્યાસ થઇ ગયેલ છે પરંતુ અમારા વ્યવહારનું શું? તેમ કહી રૃા.૫૦ હજારની લાંચ માંગી હ તી.
જો કે લાંચની આ રકમ મોટી હોવાથી રકઝકના અંતે છેલ્લે રૃા.૩૦ હજાર આપવાનું નક્કી થયું હતું. લાંચની રકમ આપવી નહી હોવાથી આ અંગે એસીબીમાં ફરિયાદ કરતાં મદદનીશ નિયામક પરેશ ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ ભરૃચ એસીબીના પીઆઇ એસ.વી. વસાવાએ સ્ટાફના માણસો સાથે છટકું ગોઠવી નાયબ મામલતદારને લાંચની રકમ સાથે ઝડપી પાડયો હતો.