શેર બજારમાં નુકસાન થતા હતાશ યુવાનનો આપઘાત
અઠવાડિયા પહેલા જ ભાઇ પાસેથી ૫૩ હજાર હાથ ઉછીના લીધા હતા
વડોદરા,શેર બજારમાં નુકસાન થતા હતાશ થયેલા યુવાને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જૂનાગઢના વિસાવદર તાલુકાના સરસઇ ગામનો મૂળ રહેવાસી હરદિપ ગોપાલભાઇ ધામેલીયા ( ઉં.વ.૨૭) હાલમાં વાઘોડિયા રોડ ગુરૃકુળ ચાર રસ્તા પાસે બાલાજી પાર્ક સોસાયટીમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી રહે છે. તેમજ પાદરાની સનફાર્મા કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. શનિવાર ેતેને રજા હતી. બીજા દિવસે રવિવારે ડયૂટિ પર જવાનું હતું. પરંતુ, તે ગયો નહતો. જેથી, કંપનીના અધિકારી દ્વારા તેને કોલ કરવામાં આવતા તેણે કોલ રિસિવ કર્યો નહતો. જેથી, નજીકમાં રહેતા અન્ય સાથી કર્મચારીઓને જાણ કરી હતી. તેમણે દરવાજો ખખડાવતા હરદિપે દરવાજો ખોલ્યો નહતો. જેથી, સીડી મૂકીને ગેલેરીમાંથી જોતા હરદિપ ગળા ફાંસો ખાધેલી હાલતમાં હતો. જેથી, પોલીસને જાણ કરવામાં આવી હતી. અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. નગરસિંહે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, હરદિપને શેર બજારમાં નુકસાન ગયું હતું. તેણે ભાઇ પાસેથી ૫૩ હજાર ઉછીના પણ લીધા હતા. નુકસાનના કારણે હતાશ થઇને હરદિપે આપઘાત કર્યો હોવાની શક્યતા છે.