ધી બરોડા પીપલ્સ કો.ઓ. બેંકમાં અન્ય સહકારી બેંકોની થાપણો વર્ષોથી ફસાઇ
લાલબાગ કો.ઓ. બેક અને ભાઇલાલભાઇ કોન્ટ્રાક્ટર સ્મારક બેંકે મુદ્દો ઉઠાવતા સહકારમંત્રીને રજૂઆત કરાઇ
વડોદરા, તા.11 વડોદરાની એક સમયની સૌથી મોટી ગણાતી સહકારી બેંક ધી બરોડા પીપલ્સ કો.ઓ. બેંક ફડચામાં ગયા બાદ આ બેંકમાં ફસાઇ ગયેલી શહેર તેમજ જિલ્લાની અન્ય સહકારી બેંકોની થાપણો પણ ડૂબી ગઇ છે. બેંક પાસે વસૂલાતની મોટી રકમ આવી હોવા છતાં બેંકોની થાપણો નહી અપાતા આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ધી બરોડા અર્બન કો.ઓ. બેંક્સ ફેડરેશન લી.ની બેઠક મળી હતી. આ બેઠકમાં વડોદરા શહેર તેમજ જિલ્લામાં આવેલી સહકારી બેંકોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં. બેઠકમાં ધી બરોડા પીપલ્સ કો.ઓ. બેંક લી.માં સહકારી બેંકોમાં ફસાઇ ગયેલી થાપણોનો મુદ્દો ઉઠયો હતો. શહેરની બે સહકારી બેંકો લાલબાગ કો.ઓ. બેંક લી. તેમજ ભાઇલાલભાઇ કોન્ટ્રાક્ટર સ્મારક કો.ઓ. બેંક લી.ની લાખો રૃપિયાની થાપણો અંગે વિસ્તૃત ચર્ચા થઇ હતી. બંને બેંકોની થાપણો હજી સુધી નહી મળતાં તે જલદી પરત મળે તે અંગેની માંગણી ઉઠી હતી.
ધી બરોડા અર્બન કો.ઓ. બેંક્સ ફેડરેશન લી. દ્વારા તાજેતરમાં જ રાજ્યના સહકારી પ્રધાનને પત્ર લખી આ અંગે જાણ કરવામાં આવી હતી. ફેડરેશનના આ પત્રમાં માંગણી કરવામાં આવી છે કે ધી બરોડા પીપલ્સ કો.ઓ. બેક લી. ફડચામાં ગયા બાદ બેંક દ્વારા વસૂલાત થયેલી મોટી રકમ જમા પડી છે. વિમા કલેઇમ કંપની તરફથી કોઇ વાંધો ના હોય તો વધારાની રકમ અલગ રાખવામાં આવી અને તે રકમ છૂટી કરીને બેંકોને પરત કરી શકાય છે. આમ કરવાથી નાના સભાસદોની રકમ છૂટી થતાં ધંધા રોજગારને પ્રોત્સાહન મળે તેમ છે.
ફેડરેશને સહકાર મંત્રીને જણાવ્યું છે કે માધવપુરા કો.ઓ. બેંક લી. તરફથી થાપણદારોને રકમ પરત ચૂકવી દેવામાં આવી છે તેવી જ રીતે જો રકમ ચૂકવવામાં આવે તો સહકારી બેન્કો પ્રત્યેની શાખ જળવાઇ રહે તેમ છે. ઉલ્લેખનીય છે કે ધી બરોડા પીપલ્સ કો.ઓ. બેંક લી.માં ઉપરોક્ત બે બેંકો સિવાય અન્ય બેંકોની પણ ડિપોઝિટો જમા છે જે પરત મળી નથી. સૂત્રોએ કહ્યું હતું કે લાલબાગ કો.ઓ. બેંકની રૃા.૨૫ લાખ તેમજ ભાઇલાલભાઇ કોન્ટ્રાક્ટર સ્મારક કો.ઓ. બેંકની રૃા.૪૦ લાખ જેટલી રકમ ધી બરોડા પીપલ્સ કો.ઓ. બેંકમાં ફસાઇ છે.