સહારા ક્રેડિટ સોસાયટીના રોકાણકારોને હજી રૃપિયા પરત મળ્યા નથી
૧૩ મી તારીખે કોર્ટમાં હાજર રહેવા તાકીદ
વડોદરા, તા.5 સહારા ક્રેડિટ કો.ઓ.સો.લિ. માં રોકાણ કરનાર લોકોને રૃપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. આ કેસમાં સીઆઇડી દ્વારા આજે ૧૫ જેટલા રોકાણકારોને નિવેદન માટે ફોન કરીને ઓફિસે બોલાવવામાં આવ્યા હતા અને આગામી ૧૩ મી તારીખે તેઓને કોર્ટમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.
કપુરાઇ ગામ વાણીયા શેરીમાં રહેતા સુનિલ અર્જુનભાઇ સોલંકીએ વડોદરા સી.આઇ.ડી.ક્રાઇમ ઝોનમાં ગત તા. ૧૭ - ૧૦ - ૨૦૧૯ ના રોજ સહારા ક્રેડિટ કો.ઓ.સો.લિ.ના ડાયરેક્ટરો તથા હોદ્દેદારો વિરૃદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેની વિગત એવી છે કે, રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપી રોકાણ કરવા માટે જણાવી રૃપિયા ઉઘરાવી પાકતી મુદ્દતે રૃપિયા પરત ચૂકવ્યા નહતા. તે સમયે છેેતરપિંડીનો આંકડો ૪.૧૦ કરોડ હતો. ત્યારબાદ તપાસ શરૃ કરવામાં આવી હતી. રોકાણકારો વતી લડત ચલાવનાર કાર્યકરનું કહેવું છે કે, આ કેસમાં જી.પી.આઇ.ડી. એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હોવાથી વડોદરા ખાતેની સહારાની બે ઓફિસ સીલ કરવામાં આવી હતી. ઓગસ્ટ - ૨૦૨૨ માં વડોદરાના નાયબ કલેક્ટર દ્વારા રોકાણકારો પાસે ક્લેઇમની વિગતો મંગાવવામાં આવી હતી. તે દરમિયાન અંદાજે ૨૫૦ કરોડની ડિપોઝિટની રકમ હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ, હજીસુધી રોકાણકારોને તેઓના રૃપિયા પરત મળ્યા નથી. સહારા વિરૃદ્ધ ગુનો દાખલ થયા પછી પણ તેઓ દ્વારા રોકાણની સ્કીમો ચલાવવામાં આવી રહી છે. લડત ચલાવનાર કાર્યકરનું વધુમાં કહેવું છે કે, હજી વડોદરામાં ત્રણ થી ચાર ઓફિસો ચાલી રહી છે. આજે ૧૫ જેટલા રોકાણકારોને વડોદરાની ઓફિસે નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેઓને કહેવામાં આવ્યું હતું કે, સહારાના અધિકારીઆનો દાવો છે કે, અમે રોકાણકારોને તેઓના રૃપિયા ચૂકવી દીધા છે. જે વિગતની ખરાઇ કરવાની છે. સીઆઇડીએ રોકાણકારોને બેન્ક સ્ટેટમેન્ટ અને પાસબુક લઇને આવવા કહ્યું હતું. આગામી ૧૩ મી તારીખે રોકાણકારોને કોર્ટમાં હાજર રહેવા પણ સી.આઇ.ડી.ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.