અનાજના કાળાબજાર માટે ઓળખાયેલી ૩૨ રેશનિંગ શોપમાં કાર્યવાહીના આદેશ
બે સપ્તાહમાં જ દરોડા પાડી ૧૦ દુકાનોના પરવાના મોકૂફ કરી દેવાયા ઃ એક દુકાનનો પરવાનો કાયમ માટે રદ કરાયો
વડોદરા, તા.16 વડોદરા શહેર અને જિલ્લામાં સરકારી અનાજના કાળાબજાર કરતી ૩૨ જેટલી રેશનિંગ દુકાનોને ઓળખી કાઢવામાં આવી છે. આ દુકાનો પર વ્યાપક ચેકિંગના આદેશો છૂટતાં જ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રેશનિંગ દુકાનો દ્વારા ચાલતી લોલમલોલ અંગે ફરિયાદો થતાં જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેની ગંભીર નોંધ લઇને કઇ કઇ દુકાનો દ્વારા ગેરરીતિ આચરવામાં આવે છે તેની ઓળખ કરી તેની સામે કાર્યવાહી માટેની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી હતી આ સાથે જ ગાંધીનગરથી પણ શહેર અને જિલ્લાની ૩૨ દુકાનોમાં તપાસના આદેશો છૂટયા હતાં જેના પગલે પુરવઠાતંત્ર દોડતું થઇ ગયું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે જાન્યુઆરી માસમાં જ તંત્ર દ્વારા ૨૬ રેશનિંગ દુકાનોમાં તપાસણી કરવામાં આવી હતી જેમાં કેટલીક ગેરરીતિ ઝડપાતા રૃા.૮૦ હજારથી વધુ રકમના અનાજ સહિતનો જથ્થો રાજ્યસાત કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં દુકાનોની રૃા.૫.૧૦ લાખની ડિપોઝીટની રકમ જપ્ત કરવામાં આવી હતી જ્યારે કુલ રૃા.૨૨.૨૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કુલ ૧૦ દુકાનોના પરવાના મોકૂફ કરી દેવાયા હતા અને ૧ દુકાનનો પરવાનો કાયમી રદ કરાયો હતો.
પુરવઠાતંત્ર દ્વારા અનાજના ૧૫ ગોડાઉનોમાં પણ દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. નવા વર્ષના પ્રારંભ સાથે જ પુરવઠાખાતાની અચાનક કાર્યવાહીના પગલે સરકારી અનાજ વગે કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ખાસ કરીને ગાંધીનગરથી આદેશો છૂટતાં જ સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની ફરજ પડી રહી છે.