નારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓને આસપાસની સ્કૂલોમાં એલસી વગર પ્રવેશ આપવાનો ડીઈઓનો આદેશ
વડોદરાઃ શહેરના વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પર આવેલી નારાયણ હાઈસ્કૂલની દિવાલ ધરાશાયી થયા બાદ સ્કૂલના બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું હોવાથી સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવી રહ્યા છે.
જેની સામે હવે વાલીઓ વિરોધ કરી રહ્યા છે અને કેટલાક વાલીઓ તો પોતાના બાળકોને બીજી સ્કૂલમાં ભણાવવા માગે છે.આ મુદ્દે તેમણે તાજેતરમાં ડીઈઓ કચેરીમાં રજૂઆત પણ કરી હતી અને એવો આક્ષેપ પણ કર્યો હતો કે, સ્કૂલ સંચાલકો અમને એલસી નથી આપી રહ્યા અને તેના કારણે બીજી સ્કૂલમાં પ્રવેશ નથી મળી રહ્યો.
એ પછી હવે ડીઈઓ કચેરીએ આ સ્કૂલની આસપાસની ૬ સ્કૂલો ઉમિયા વિદ્યાલય, શ્રેય સાર્થક વિદ્યાલય, નારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલ, શ્રીનાથ વિદ્યાલય, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ૧ અને ૨ના આચાર્યોને પરિપત્ર પાઠવીને જણાવ્યું છે કે, વાલીઓની જરુરિયાતને ધ્યાનમાં લઈને નારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓને એલસી વગર ફોર્મના આધારે પ્રવેશ આપવાનો રહેશે તેમજ આવા વિદ્યાર્થીનુ એલસી નારાયણ વિદ્યાલયમાંથી સ્કૂલે મેળવી લેવાનું રહેશે.
આ પરિપત્રમાં જણાવાયું છે કે, નારાયણ વિદ્યાલયના જે પણ વિદ્યાર્થીઓને આ રીતે પ્રવેશ આપવામાં આવે તેની મંજૂરી ઉપરોકત સ્કૂલોએ તા.૩૧ ઓગસ્ટ સુધીમાં ડીઈઓ ઓફિસ ખાતેથી મેળવી લેવાની રહેશે.
દરમિયાન ડીઈઓ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ કોઈ કાગળના કારણે શિક્ષણથી વંચિત ના રહેવા જોઈએ એટલે એલસી વગર પણ હાલના તબક્કે વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે.