ડીઈઓ કચેરી દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલના શિક્ષકોની પૂછપરછ કરાશે
વડોદરાઃ વડોદરામાં હરણી વિસ્તારના લેક ઝોનમાં ૧૭ જાન્યુઆરીએ શહેરના વાઘોડિયા રોડ પરની ન્યૂ સનરાઈઝ સ્કૂલના ૧૨ બાળકો અને બે શિક્ષકોના બોટ પલટી જવાની હોનારતમાં મોત થયા હતા.
પ્રવાસની મંજૂરી નહીં લીધી હોવાની કબૂલાત, સ્કૂલની માહિતીનુ ક્રોસ વેરિફિકેશન કરીને સાત દિવસમાં કલેકટર કચેરીને રિપોર્ટ સુપરત કરાશે
આ મામલામાં સ્કૂલે પ્રવાસની પરવાનગી નહીં લીધી હોવાથી ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલને નોટિસ ફટકારીને જાણકારી આપવા માટે આદેશ અપાયો હતો.ડીઈઓ કચેરીએ આપેલા સમય પ્રમાણે સાત દિવસની અંદર ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ સ્કૂલ દ્વારા કેટલા વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હતા તેમજ વિદ્યાર્થીઓના ગુ્રપ બનાવીને દરેક ગુ્રપની જવાબદારી કયા શિક્ષકને સોંપવામાં આવી હતી સહિતની જાણકારી ડીઈઓ કચેરીને પૂરી પાડી છે.
ડીઈઓ રાકેશ વ્યાસે કહ્યુ હતુ કે,સ્કૂલે પરવાનગી નહીં લીધી હોવાની કબૂલાત કરી છે અને કહ્યુ છે કે, વડોદરામાં જ પ્રવાસનુ આયોજન કરવામાં આવ્યુ હોવાથી ડીઈઓ કચેરીની પરવાનગી ના લેવી પડી તેવુ અમને લાગ્યુ હતુ.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, જે શિક્ષકો આ પ્રવાસે ગયા હતા હવે તેમની પૂછપરછ કરવામાં આવશે અને સ્કૂલે જે પણ જાણકારી પૂરી પાડી છે તેનુ પણ સ્કૂલમાં જઈને ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે.સાત દિવસની અંદર ડીઈઓ કચેરી દ્વારા આ મુદ્દે કલેકટર કચેરીને અહેવાલ સુપરત કરાશે.શિક્ષક અને શાળા સંચાલકો સહિત જે પણ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહીની ભલામણ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, બોટ હોનારત બાદ હવે વડોદરા શહેરની સંખ્યાબંધ સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓના આગામી પ્રવાસો પણ રદ કરી દીધા છે.હવે સ્કૂલો વિદ્યાર્થીઓના પ્રવાસનુ આયોજન કરવાનુ જોખમ લેવા માંગતી નથી.